કારના ઑટોપાઇલટે ચાંદામામાને યલો ટ્રાફિક લાઇટ માની લીધા અને કાર ધીમી પાડી દીધી

27 July, 2021 04:21 PM IST  |  Mumbai | Agency

રમૂજ તો એ વાતની છે કે ચંદ્ર જ્યારે પણ કારની એ ટેક્નૉલૉજીની રેન્જમાં આવી ત્યારે યલો સિગ્નલ બતાવાયું અને ત્યારે કારની ઝડપ ધીમી પડી હતી.

કારના ઑટોપાઇલટે ચાંદામામાને યલો ટ્રાફિક લાઇટ માની લીધા અને કાર ધીમી પાડી દીધી

ડ્રાઇવિંગમાં માણસ કોઈ ભૂલ કરે તો તેને ટ્રાફિક-પોલીસનો ઠપકો મળે અથવા તેને દંડ કરવામાં આવે અને ગંભીર ચૂકમાં તો જેલની સજા પણ થઈ શકે. જોકે કારના ઑટોપાઇલટથી ભૂલ થાય તો શું? આનો નિવેડો તો આવતો હશે ત્યારે આવશે, પણ એનો એક ધ્યાનાકર્ષક બનાવ તાજેતરમાં બની ગયો. જૉર્ડન નેલ્સન નામના યુવકે ટ્વિટર પર વિડિયો શૅર કર્યો છે જેમાં તેણે જણાવ્યું કે એક ટેસ્લા કારના ઑટોપાઇલટ ફીચરે એક ટ્રાફિક-સિગ્નલ પર ચંદ્રને (જે ત્યારે આછા પીળા રંગમાં હતો) યલો ટ્રાફિક સિગ્નલ માની લીધું હતું જેને પગલે કાર આપોઆપ ધીમી પડી ગઈ હતી. જોકે આ ભૂલ છતાં એ કારનો કોઈ અકસ્માત થતો ટાળવામાં આવ્યો હતો.
આપણે જે ટેક્નિકલ ભૂલની વાત કરી રહ્યા છીએ એમાં કારના ફીચરમાં યલો લાઇટ દેખાઈ એનું કારણ એટલું જ હતું કે ટેક્નૉલૉજીએ આકાશમાં ચંદ્રનો પીળો પ્રકાશ જોયો અને એના આધારે કારના ફીચરમાં યલો લાઇટ દર્શાવાઈ. રમૂજ તો એ વાતની છે કે ચંદ્ર જ્યારે પણ કારની એ ટેક્નૉલૉજીની રેન્જમાં આવી ત્યારે યલો સિગ્નલ બતાવાયું અને ત્યારે કારની ઝડપ ધીમી પડી હતી.
આ બાબતમાં ટેક્નૉલૉજીમાં વપરાતા ઍલ્ગરિધમમાં કંઈક ગરબડ જણાઈ છે અને કંપનીનું ધ્યાન દોરવામાં આવ્યું છે.

offbeat news