સ્પીલબર્ગની ફિલ્મના એલિયન જેવા દેખાતા બ્રાઝિલના પથ્થરે પ્રવાસીઓને આકર્ષ્યા

28 May, 2022 11:00 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ પથ્થર બ્રાઝિલના રોરૈમા રાજ્યમાં આવેલા મિગુઅલ બેરેટોના નામની વ્યક્તિના ખેતરમાં પડેલો છે, જેઓ સાઓ લુઇઝ એન્વાયર્નમેન્ટલ ડિપાર્ટમેન્ટના ડિરેક્ટર છે.

બ્રાઝિલના ખેતરમાં બે દાયકા પહેલાં મળેલા આ પથ્થરનો ચહેરો ‘ઇ.ટી.’ ફિલ્મના એલિયનને મળતો આવે છે.

બ્રાઝિલના એક ખેતરમાં એક વિશાળ પથ્થર છે જે સ્ટીવન સ્પીલબર્ગની ફિલ્મ ‘ઇ.ટી.’ના એક એલિયન કૅરૅક્ટર જેવો દેખાય છે. એને કારણે પ્રવાસીઓ માટે એ મહત્ત્વનું આકર્ષણ બન્યો છે. આ પથ્થર ૨૦ ફુટ ઊંચો છે અને એમાં પડેલી તિરાડને કારણે એનો ચહેરો ૧૯૮૦ની ફિલ્મના એલિયન જેવો દેખાય છે. આ પથ્થર બ્રાઝિલના રોરૈમા રાજ્યમાં આવેલા મિગુઅલ બેરેટોના નામની વ્યક્તિના ખેતરમાં પડેલો છે, જેઓ સાઓ લુઇઝ એન્વાયર્નમેન્ટલ ડિપાર્ટમેન્ટના ડિરેક્ટર છે. તેમણે આ વિશાળ પથ્થરને ૨૦૦૨માં લાગેલી આગ પછી વૃક્ષો અને વેલા હટી જતાં જોયો હતો. તેમણે બ્રાઝિલની ચૅનલને આપેલી મુલાકાતમાં કહ્યું હતું કે ‘પહેલાં તો મને આમાં કંઈ ખાસ ન દેખાયું, પરંતુ ધ્યાનથી જોતાં તે ઇ.ટી. જેવો દેખાતાં હું ડરી ગયો હતો. 
શહેરની બહાર ફરવા માટે આ‍વનારા લોકો માટે હવે એ પથ્થર આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. ગયા વર્ષે શહેરના ટૂરિઝમ ઍન્ડ એન્વાયર્નમેન્ટ ડિપાર્ટમેન્ટે એને શહેરના એક નૅચરલ લૅન્ડસ્કેપ તરીકે માન્યતા આપી છે. અહીં ખેતરમાં આવતા પ્રવાસીઓ પાસેથી કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. જિયોલૉજિસ્ટના જણાવ્યા પ્રમાણે આ પથ્થરને બે ખડક આધાર આપે છે. સતત પાણીના ધોવાણને કારણે એનો આવો આકાર બન્યો છે. ‘ઇ.ટી.’ ફિલ્મ ૧૯૮૨ના જૂનમાં આવી હતી, જેમાં એક બાળક ભૂલથી ધરતી પર આવી ગયેલા એલિયનનો મિત્ર બને છે. તેને ફરીથી એના પેરન્ટ્સ સુધી મોકલે છે.

offbeat news