7 વર્ષ પહેલાં ટીનેજરે આઇફોન લેવા કિડની વેચી નાખેલી, હવે છે પથારીવશ

10 January, 2019 10:00 AM IST  |  જાપાન

7 વર્ષ પહેલાં ટીનેજરે આઇફોન લેવા કિડની વેચી નાખેલી, હવે છે પથારીવશ

આણે તો ખરેખર કિડની વેચી નાખી!

એક સમય હતો જ્યારે લોકો આઇફોન પાછળ ઘેલા હતા. જ્યારે પણ આઇફોનનું નવું મૉડલ બહાર પડે એટલે લોકો એ ખરીદવા માટે કંઈ પણ કરવા તૈયાર થઈ જાય. ૨૦૧૧ના સમયની વાત છે. ચીનનો શિઓ વૅન્ગ નામનો યુવક એ વખતે ૧૭ વર્ષનો હતો. ભણતો હોવાથી તેની પાસે કમાણી કે બચત કશું નહોતું. એ વખતે તેને આઇફોન વસાવવાનો એટલો ચસકો હતો કે તેણે આગળ-પાછળનું કંઈ વિચાર્યું નહીં. ચેન્ગઝોઉ શહેરમાં રહેતા શિઓને પોતાની સ્કૂલમાં આઇફોન ૪ લઈને સ્ટાઇલ મારવી હતી. ગરીબ પરિવાર તેનો આ અભરખો પૂરો કરી શકે એમ નહોતો એટલે ભાઈસાહેબે એક એજન્ટની મદદથી પોતાની એક કિડની વેચીને રોકડી કરી લીધી. એ વખતે તેને માનવઅંગોનો વેપાર કરતા એજન્ટે સમજાવેલું કે માણસને જીવવા માટે માત્ર એક જ કિડનીની જરૂર પડે છે એટલું જ નહીં, આ તો પુણ્યનું કામ છે. તેને લાગ્યું કે પોતાને પૈસા પણ મળશે અને કોઈકને નવું જીવન પણ. પરિવારથી છુપાવીને ભાઈસાહેબ માનવઅંગોના બ્લૅકમાર્કેટ કરતા એજન્ટની સાથે જઈને કિડની વેચી આવ્યા, નવોનક્કોર આઇફોન ૪ ખરીદ્યો અને સ્કૂલમાં સ્ટાઇલો પણ મારી.

જોકે સમસ્યા એ થઈ કે બ્લૅકમાર્કેટમાં અંગો કાઢતા ડૉક્ટરો અનુભવી ન હોવાથી તેમણે સર્જરી વખતે જે કાળજી રાખવી જોઈએ એવી ન રાખી. ઑપરેશન માટે વપરાયેલાં સાધનો જંતુરહિત કરવા માટે સ્ટરિલાઇઝેશનની પ્રોસેસ નહોતી કરવામાં આવી. એને કારણે સર્જરી પછી જે જગ્યાએ કાપો મૂકેલો એ રુઝાયો જ નહીં. ત્યાં સુધી તેના પરિવારજનોને દીકરો કિડની વેચી આવ્યો છે એની ભનક પણ નહોતી. શિઓ વૅન્ગ એક કિડની ૨૨,૦૦૦ યુઆન એટલે કે લગભગ બે લાખ રૂપિયામાં વેચી આવેલો. પરિવારને ખબર ન પડે એ માટે તેણે પહેલાં ચોરીછૂપીથી ડૉક્ટરો પાસે જઈને સારવાર કરાવવાની કોશિશ કરી. જોકે ઇન્ફેક્શન માત્ર બહારનું જ નહોતું. પેટની અંદર પણ ઇન્ફેક્શન ફેલાઈ ચૂક્યું હતું. જ્યારે પરિવારને ખબર પડી ત્યારે એટલું મોડું થઈ ચૂકેલું કે તેના શરીરમાં રહેલી એકમાત્ર કિડનીમાં પણ ઇન્ફેક્શન લાગી ગયું. પરિવારજનોએ થોડાંક વષોર્ સુધી દવાઓ અને અવારનવાર ડાયાલિસિસ કરીને તેની કિડનીને કાર્યરત રાખી. જોકે હવે એ કિડની પણ સંપૂર્ણપણે ફેઇલ થઈ ચૂકી છે અને ૨૪ વર્ષની વયે શિઓ કાયમી ડાયાલિસિસ પર જ જીવિત છે.

આ પણ વાંચોઃ આ ભાઈએ રોજ ચૉકલેટ ખાઈને 1 વર્ષમાં 80 કિલો વજન ઉતાર્યું

શિઓના પેરન્ટ્સને જ્યારે ખબર પડી કે આઇફોનના ચક્કરમાં દીકરાએ કિડની વેચી છે ત્યારે તેમણે પેલા કાળાં કામોના વચેટિયાને શોધી કાઢ્યો અને પોલીસની મદદથી કિડની કાઢનાર ડૉક્ટરને પણ શોધ્યો. ઘટના વખતે શિઓ ૧૮ વર્ષનો નહોતો એટલે ડૉક્ટર અને વચેટિયાને બાવીસ લાખ યુઆન એટલે કે લગભગ ૨.૨૦ કરોડ રૂપિયાનો દંડ થયો. આ રૂપિયામાંથી હવે યુવકની દવા અને હૉસ્પિટલનો ખર્ચો નીકળે છે.

offbeat news