૧૫ વર્ષના ટીનેજરે પકડી સફેદ રંગની રૅર કૅટફિશ

04 July, 2022 09:35 AM IST  |  Tennessee | Gujarati Mid-day Correspondent

બધા માછલીના કદને બદલે એના રંગને લઈને વધુ પ્રભાવિત થયા હતા

એડવર્ડ્સ તારુમિયાંઝે એક મોટી માછલી પકડી હતી

કૅટફિશ પ્રકારની માછલીઓ સામાન્ય રીતે કાળા રંગની હોય છે, પરંતુ અમેરિકાના ટેનેસીમાં માછીમારી કરવા ગયેલા ૧૫ વર્ષના ​ટીનેજરે પકડેલી માછલી સફેદ રંગની હતી. ૨૮ જૂને સવારે એડવર્ડ્સ તારુમિયાંઝે એક મોટી માછલી પકડી હતી. જોકે બધા માછલીના કદને બદલે એના રંગને લઈને વધુ પ્રભાવિત થયા હતા. એની પાંખ અને ચહેરા પર થોડો ગુલાબી રંગ હતો, પરંતુ બાકીનું શરીર સફેદ હતું, જે આલ્બીનિઝમ અથવા લ્યુ​સિઝમને કારણે થયું હતું. આલ્બીનિઝમમાં ત્વચા અને વાળમાં રંગદ્રવ્યો હોતાં નથી, જે મનુષ્યો સહિત સંખ્યાબંધ પ્રાણીઓમાં જોવા મળે છે. બીજી તરફ લ્યુસિઝમ એક આનુવંશિક સ્થિતિ છે, જે રંગદ્રવ્યો ઘટાડે છે અને એનાથી પ્રાણીના કુદરતી રંગમાં ઘટાડો થાય છે.

એ સમયે માછીમારી માટે લઈ જનાર કૅપ્ટન રિચર્ડ સીમ્સે માછલી સાથે તારુમિયાંઝનો ફોટો શૅર કરતાં કહ્યું હતું કે ‘હું છેલ્લાં ૩૦ વર્ષથી કૅટફિશિંગ કરું છું અને ૧૭ વર્ષથી ફિશિંગ માટેનું માર્ગદર્શન આપું છું, પરંતુ મારી બોટમાં પહેલી વખત એક સફેદ માછલી પકડાઈ છે.’ ૨૦૨૦માં સાઉથ કૅરોલિના બીચ પર એક સફેદ રંગનો દરિયાઈ કાચબો મળી આવ્યો હતો. ગયા ડિસેમ્બરમાં કોલમ્બિયામાં એક સફેદ રંગના દીપડાના બચ્ચાને બચાવવામાં આવ્યું હતું. જંગલના અધિકારીઓ આ માદા બચ્ચાને પાર્કમાં લઈ ગયા હતા, કારણ કે સફેદ રંગની રુવાંટીને કારણ એ જંગલમાં રહી શકે નહીં. 

offbeat news international news