લોહીનાં આંસુ વહી રહ્યાં છે બ્રાઝિલની આ ટીનેજરની આંખમાંથી

25 September, 2020 08:58 AM IST  |  Mumbai | Mumbai correspondent

લોહીનાં આંસુ વહી રહ્યાં છે બ્રાઝિલની આ ટીનેજરની આંખમાંથી

લોહીનાં આંસુ વહી રહ્યાં છે બ્રાઝિલની આ ટીનેજરની આંખમાંથી

બ્રાઝિલની ડોરિસ નામની ૧૫ વર્ષની કન્યાએ તેની આંખમાંથી લોહીનાં આંસુ વહેતાં હોવાની ફરિયાદ કરી છે, પરંતુ તેને તપાસનાર ડૉક્ટરોને એનાં કારણ બાબતે કાંઈ સમજાતું નથી. ૧૨ સપ્ટેમ્બરે ડોરિસને પેટમાં દુખાવો થતાં તેની મમ્મી સાઓ પાઓલોની હૉસ્પિટલમાં લઈ ગઈ હતી. ત્યાં ડૉક્ટરોએ ડોરિસને કિડની સ્ટોનની વ્યાધિ હોવાનું નિદાન કર્યું હતું. તેને દવા આપીને થોડા વખતમાં ઘરે મોકલવામાં આવી હતી. રવિવારે ડોરિસને એક આંખમાંથી લોહીનાં આંસુ વહેતાં હોવાની વ્યાધિ થતાં હૉસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. તેને તપાસ્યા પછી ડૉક્ટરોને એ વ્યાધિનું કોઈ કારણ મળ્યું નહોતું. ડોરિસને લોહીનાં આંસુ સાથે પીડા ન થતી હોવાથી ડૉક્ટરોને કાંઈ સમજાતું નહોતું. તેને ૨૪ કલાકમાં ડિસ્ચાર્જ અપાયો હતો, પરંતુ ઘરે પહોંચ્યા પછી ડોરિસની બન્ને આંખોમાંથી લોહી વહેવા માંડ્યું હતું. ૧૩ સપ્ટેમ્બરથી શરૂ થયેલી એ વ્યાધિ ડોરિસ માટે રોજિંદી બની ગઈ છે. દિવસમાં એકાદ વખત ડોરિસની આંખોમાંથી લોહી વહે છે.
ડોરિસની મમ્મી જુલિયાના કહે છે કે અમે ઘણી ટેસ્ટ કરાવી છતાં એ બીમારીનું કારણ જાણવા મળ્યું નથી. નિષ્ણાતો કહે છે કે તબીબી સાહિત્યમાં એ સ્થિતિ હેમોલેક્રિયા નામે ઓળખાય છે. એનાં કારણો સમજાય તો એ પ્રમાણે એ બીમારીની સારવાર કરી શકાય. મોટા ભાગે દરદીના શરીરની કોઈ ખામીને કારણે એ સમસ્યા થાય છે. આ સમસ્યા નિદાન કે સારવાર વગર અચાનક અદૃશ્ય થઈ જાય અને અચાનક ફરી શરૂ થાય એવું બને છે. આ બાબત આશ્ચર્યજનક છે, પરંતુ એનાં કારણો જાણવા મળે તો ઍન્ટિબાયોટિક્સ તેમ જ હૉર્મોનલ સારવાર વડે ઉપચાર શક્ય બને છે. જોકે આવી વ્યાધિથી દરદીના શરીરમાં અન્ય બીમારી પેદા થવાની શક્યતા નહીંવત્ હોવાનું નિષ્ણાતો કહે છે.

international news offbeat news