૨૦૦ રૂપિયાના ભંગારમાંથી બનાવી સુરતની મિની મેટ્રો

01 August, 2026 01:41 PM IST  |  Surat | Gujarati Mid-day Correspondent

મેટ્રોનું ઇન્ટીરિયર, લાઇટિંગ, હૅન્ડબ્રેક, સ્ટીયરિંગ અને કિલોમીટર દર્શાવતી સિસ્ટમ અને સેફ્ટી કન્ટ્રોલ પણ એમાં છે

મેટ્રોની ઝીણામાં ઝીણી વિગતોને સરખાવી શકાય એવું મૉડલ તૈયાર કર્યું છે

સુરતમાં હજી અસલી મેટ્રો દોડવાની બાકી છે, પરંતુ એ મેટ્રોનું મૉડલ તૈયાર થઈ ગયું છે અને કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. ત્યારે સુરતની મેટ્રોને આવકારવાના હેતુથી સુરતના જ એક વેલ્ડિંગ કારીગરે મેટ્રોનું અદ્ભુત સર્જન કર્યું છે જે સુરતની જ મિની મેટ્રો જેવું દેખાય છે. ઑટોરિક્ષાનું વેલ્ડિંગ કરનારા સાકિર અબ્દુલ ગની નામના આ ભાઈએ આ માટે માત્ર ૨૦૦ રૂપિયામાં ફ્રિજનાં પતરાં અને નકામી ચીજોનો ઉપયોગ કર્યો છે. આ મિની મેટ્રોમાં ઍરકન્ડિશનર, ફૅન, અલાર્મ અને ઑટો-સ્ટૉપ સિસ્ટમ પણ મૂકવામાં આવી છે. એ મેટ્રોનાં પૈડાં પણ સાકિરે નકામી ચીજોમાંથી બનાવ્યા છે અને એ પણ હૂબહૂ અસલી મેટ્રો જેવાં જ છે. આ સમગ્ર મૉડલ તૈયાર કરવા માટે સાકિરે અઢી મહિના સુધી દિવસરાત મહેનત કરી છે. સાકિરનું કહેવું છે કે, ‘સુરતમાં છેલ્લાં ૩-૪ વર્ષથી મેટ્રોનું કામકાજ ચાલી રહ્યું છે ત્યારથી મને મેટ્રોનું મિની મૉડલ બનાવવાની ઇચ્છા હતી, પરંતુ અસલી મેટ્રો કેવી લાગતી હશે એની કોઈ સ્પષ્ટ માહિતી નહોતી. જ્યારે ૧૦ મહિના પહેલાં સુરત મેટ્રોનું મૉડલ જાહેર કરવામાં આવ્યું ત્યારે મેં એના ફોટા મેળવ્યા અને એની પ્રિન્ટ કાઢીને બરાબર સ્ટડી કર્યો. એ તસવીરોને જોઈને જ મેં મેટ્રોની ઝીણામાં ઝીણી વિગતોને સરખાવી શકાય એવું મૉડલ તૈયાર કર્યું છે.’

મેટ્રોનું ઇન્ટીરિયર, લાઇટિંગ, હૅન્ડબ્રેક, સ્ટીયરિંગ અને કિલોમીટર દર્શાવતી સિસ્ટમ અને સેફ્ટી કન્ટ્રોલ પણ એમાં છે. મિની મૉડલમાં સ્પ્રિંગ અને જમ્પરવાળાં ટાયર્સ ફિટ કર્યાં છે અને એ માટે તેણે ચંપલના સોલનો ઉપયોગ કર્યો છે. છેક છેલ્લે વાઇટ, બ્લુ અને બ્લૅક કલરનું અસલી મેટ્રો જેવું જ કલર કૉમ્બિનેશન પણ એમાં છે.

સાકિરે આ કંઈ પહેલી વાર નવી ચીજ બનાવી હોય એવું નથી. તે મિનિએચર મૉડલ્સ બનાવતો આવ્યો છે. થોડાં વર્ષો પહેલાં તેણે પોતાના દીકરાને રમવા માટે ભંગારમાંથી રિક્ષા બનાવી આપી હતી. 

Vande Metro mumbai metro surat offbeat news national news news