07 October, 2025 03:02 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ (તસવીર: X)
કેરળના કંડક્કાઈમાં ૫ ઑક્ટોબર રવિવારે સાંજે એક શેરી નાટકમાં અણધાર્યી ઘટના બની હતી. કારણ કે આ દરમિયાન એક રખડતો કૂતરો સ્ટેજ પર દોડી ગયો અને એક કલાકારને કરડ્યો હતો. આ ઘટના `પેક્કાલમ` (હડકવાની મોસમ) નામના એક એકાંકી નાટક દરમિયાન બની હતી, જે કંડક્કાઈ કૃષ્ણ પિલ્લાઈ લાઇબ્રેરીમાં રખડતા કૂતરાઓના હુમલા અંગે જાગૃતિ કાર્યક્રમના ભાગ રૂપે સાંજે ૭:૦૦ વાગ્યે રજૂ કરવામાં આવી રહ્યું હતું.
આ ચોંકાવનારી ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો
નાટક શરૂ હતું તે વખતે, સ્પીકર્સ પર કૂતરાઓ બાળક પર હુમલો કરી રહ્યા હોય અને ભાસતા હોય તેવું સાઉન્ડ રેકોર્ડિંગ પ્લે કરવામાં આવ્યું. દરમિયાન નજીકમાં એક રખડતો કૂતરો આ અવાજથી ગભરાઈ ગયો અને સ્ટેજ પર દોડી આવ્યો અને મૂંઝવણમાં તેણે નાટક રજૂ કરી રહેલા ૫૭ વર્ષીય કલાકાર પી રાધાકૃષ્ણનને બચકું ભર્યું હતું. શરૂઆતમાં, પ્રેક્ષકોએ ધાર્યું કે આ એપિસોડ નાટકનો ભાગ છે, પરંતુ રાધાકૃષ્ણને ખુલાસો કર્યો કે તેને કરડવામાં આવ્યો છે ત્યારે જ તેમને ખ્યાલ આવ્યો કે તે સાચે બન્યું છે.
"હું નાટકનું એક દ્રશ્ય ભજવી રહ્યો હતો જ્યાં મારું પાત્ર એક બાળકને મદદ કરવાનો પ્રયાસ કરી રહ્યું હતું જેના પર રસ્તા પરના કૂતરાઓ દ્વારા હુમલો કરવામાં આવી રહ્યો હતો. આ નાટક દરમિયાન મારા હાથમાં લાકડી હતી. અચાનક, પાછળથી એક કૂતરો આવ્યો અને મારા પગ પર કરડ્યો. મેં તેને ત્યાંથી દૂર કરવામાં સફળતા મેળવી, જેના કારણે હું વધુ હુમલાથી બચી ગયો," રાધાકૃષ્ણને જણાવ્યું હતું.
સારવાર પછી કલાકાર સુરક્ષિત
રાધાકૃષ્ણનને આ ઘટના બાદ કન્નુર મેડિકલ કૉલેજમાં લઈ જવામાં આવ્યા, જ્યાં તેમને હડકવા વિરોધી રસીકરણ આપવામાં આવ્યું હતું. તેમને ફક્ત નાની ઇજાઓ થઈ અને તેમણે કહ્યું કે તેમની ઝડપી પ્રતિક્રિયાને કારણે કૂતરાના દાંત તેમના માંસને વીંધી શક્યા નહીં. તેમણે સમુદાય શેરી નાટકો કરવાના વર્ષોમાં આ તેમનો આવો પહેલો અનુભવ ગણાવ્યો. આ ઘટનાએ રખડતા કૂતરાઓના હુમલા અંગે કેરળની વધતી ચિંતાઓ તરફ ધ્યાન દોર્યું છે, ભલે અધિકારીઓ અને સ્થાનિક જૂથો જાગૃતિ અભિયાન ચલાવી રહ્યા છે. આ ઘટના અંગે પ્રાણી પ્રેમીઓએ કહ્યું કે કદાચ આ શ્વાન મોટા અવાજને લીધે ડરી ગયો હશે, અને ગભરાઈ જતાં તેણે આ હુમલો કર્યો હશે.