યુટ્યુબરના વિવાદાસ્પદ રિવ્યુએ રેસ્ટોરાંને તાળું લગાવ્યું

23 December, 2020 09:12 AM IST  |  South Korea | Gujarati Mid-day Correspondent

યુટ્યુબરના વિવાદાસ્પદ રિવ્યુએ રેસ્ટોરાંને તાળું લગાવ્યું

હાલમાં હયાન ટ્રી નામના સોશ્યલ મીડિયા ફૂડ રિવ્યુઅર પર ટીકાઓની ઝડી વરસી રહી છે, કારણ કે એ યુટ્યુબરે દક્ષિણ કોરિયાની એક રેસ્ટોરાંની વાનગીઓનો ખોટો રિવ્યુ પ્રસારિત કર્યા પછી એ રેસ્ટોરાં બંધ કરવાનો વારો આવ્યો છે. હયાન ટ્રી નામની યુટ્યુબ ચૅનલના ૭,૦૦,૦૦૦ સબસ્ક્રાઇબર્સ છે. એ યુટ્યુબ ચૅનલના એડિટર દક્ષિણ કોરિયાના દેગુ શહેરની રેસ્ટોરાંમાં ગયા અને સોયા સૉસ મેરિનેટેડ ક્રૅબ (કરચલા)નો ઑર્ડર આપ્યો. તેમને એ વાનગી ખૂબ ભાવી. એથી બીજી વખત મગાવી, પરંતુ બીજી વખત મેરિનેટેડમાં ભાતના દાણા જોવા મળતાં તેમણે ટિપ્પણી કરી કે આ હોટેલ-રેસ્ટોરાંમાં અગાઉના વધેલા ખાદ્ય પદાર્થોનો ફરી વપરાશ કરવામાં આવતો હોય એવું બની શકે છે. એ ટિપ્પણી સહિતનું રેકૉર્ડિંગ ગઈ ૭ ડિસેમ્બરે યુટ્યુબ પર પ્રસારિત કરવામાં આવ્યું. એ વિવાદાસ્પદ રિવ્યુ યુટ્યુબ પર વાઇરલ થયો અને ગણતરીના દિવસોમાં એના ૧૦,૦૦,૦૦૦ વ્યુઝ નોંધાયા. 

એ રિવ્યુની એવી ગંભીર અસર થઈ કે થોડા દિવસોમાં રેસ્ટોરાં બંધ કરવી પડી. હયાન ટ્રીએ રિવ્યુ પોસ્ટ કર્યા પછી તરત સોશ્યલ મીડિયા પર એની ગંભીર ચર્ચા ચાલી હતી. એને કારણે ત્યાર પછીના બે-ત્રણ કલાકમાં રેસ્ટોરાંના કર્મચારીઓએ વિગતવાર સ્પષ્ટતા પોસ્ટ કરવા માંડી, પરંતુ તેમની સ્પષ્ટતા પણ બ્લૉક કરવામાં આવી હતી. એ વિડિયો પોસ્ટ કર્યા પછી બીજી વખત રિવ્યુ માટે શૂટિંગ કરવા હયાન ટ્રીની ટીમ પહોંચી ત્યારે હોટેલના દરવાજા બંધ થઈ ગયા હતા.

રેસ્ટોરાંના માલિકોએ સિક્યૉરિટી કૅમેરાનાં ફુટેજ સાથે પોસ્ટ કરેલી સ્પષ્ટતામાં રીતસર દેખાતું હતું કે વિડિયોમાં જે રિવ્યુઅર જમતા હતા, તેમણે પહેલી વખત ઑર્ડર આપ્યો હતો, એ જ ઑર્ડરની પ્લેટમાં ભાતના દાણા રહી ગયા હતા અને રિવ્યુમાં એ બાબતનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું હતું. 

યુટ્યુબર્સના બેફામ વર્તનથી પરેશાન રેસ્ટોરાં માલિકે તેમના પર લગામ તાણવાની જરૂરિયાત દર્શાવી હતી. હયાન ટ્રીના આડેધડ વર્તનને કારણે મોટું નુકસાન સહન કરનારા રેસ્ટોરાં માલિકે ચેઓંગ વા દે વેબસાઇટ પર નૅશનલ પિટિશન પોસ્ટ કરી છે. એ પિટિશનમાં યુટ્યુબર્સ અને સોશ્યલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ પર કડક નિયંત્રણોની આવશ્યકતા દર્શાવવામાં આવી હતી. તેમણે પિટિશનમાં જણાવ્યું હતું કે અન્ય રેસ્ટોરાં કે ફૂડ બિઝનેસ પર અવળી અસર ન થાય એ માટે આકરાં નિયંત્રણો મૂકવાની જરૂર છે. જોકે રિવ્યુમાં ખોટી વાત જણાવાઈ હોવાની માહિતી વહેતી થતાં હયાન ટ્રી યુટ્યુબ ચૅનલના સબસ્ક્રાઇબર્સની સંખ્યા ૭,૦૦,૦૦૦થી ઘટીને ૬,૪૫,૦૦૦ પર પહોંચી હતી.

offbeat news international news south korea