હાથીની લાદમાંથી પ્રીમિયમ ક્વૉલિટી જીન બનાવ્યો છે દંપતીએ

23 January, 2021 08:10 AM IST  |  South Africa | Gujarati Mid-day Correspondent

હાથીની લાદમાંથી પ્રીમિયમ ક્વૉલિટી જીન બનાવ્યો છે દંપતીએ

હાથીની લાદમાંથી પ્રીમિયમ ક્વૉલિટી જીન

બકરીની લિંડી અને કબૂતરની ચરકનો ઉપયોગ દેશી દવા બનાવવા માટે કરવામાં આવતો હોવાનું સાંભળ્યું છે. ગાય-ભેંસના છાણનો ઉપયોગ પણ ગામડાંના ઘરમાં લીંપણ માટે કરવામાં આવે છે. આમ પશુ-પક્ષીઓની વિષ્ટા ઔષધીય અને અન્ય રીતે માનવજીવનમાં ઉપયોગી હોવાની જાણકારીઓ આપણને અવારનવાર મળતી રહે છે, પરંતુ ખાદ્ય પદાર્થો કે પીણાંમાં પશુ-પક્ષીઓની વિષ્ટાના વપરાશની જાણકારી ઓછી મળે છે. થાઇલૅન્ડમાં હાથીના મળમાંથી કૉફી બનતી હોવાનું સાંભળવામાં આવ્યું છે, પણ હાલમાં બ્રિટનના જીવશાસ્ત્રના અધ્યાપક દંપતી પૉલ અને લેસ એન્સ્લીએ નિવૃત્તિ પછી એક નવો પ્રયોગ કર્યો છે. રિટાયરમેન્ટ બાદ તેઓ સાઉથ આફ્રિકામાં સ્થાયી થયા છે અને ત્યાં તેમણે વન્યજીવન રક્ષણ-વાઇલ્ડ લાઇફ કન્ઝર્વેશનની પ્રવૃત્તિમાં વિશેષ રસ લેવાનું શરૂ કર્યું હતું. તેમને હાથીઓની જાળવણીમાં વિશેષ રુચિ હતી એથી એ ક્ષેત્રમાં સંશોધન અને પ્રયોગો પણ કરતાં રહે છે. તેમણે હાથીના ઘાસચારા પર જીવશાસ્ત્રીય સંશોધન માટે ડિસ્ટિલરી બનાવી  છે. એ દંપતીએ હાથીના મળમાંથી શરાબ બનાવ્યો છે. હાથીની લાદને સૂકવીને સ્ટરિલાઇઝ કર્યા બાદ એનું ડિસ્ટિલેશન કરીને જિન તૈયાર કરવામાં આવે છે. ઇન્દલોવુ નામના એ પ્રીમિયમ જીનનો સ્વાદ અન્ય આલ્કોહૉલિક કે નૉન-આલ્કોહૉલિક પીણાં કરતાં જુદો છે, પરંતુ એમાંનાં કુદરતી તત્ત્વો આરોગ્યને ઉપકારક હોવાનું લેસ્લી દંપતી કહે છે.

offbeat news international news south africa