મ્યુઝિયમના લગભગ ૧૮૦૦૦ વર્ષ જૂના શંખમાંથી હજીયે ધ્વનિ પેદા થઈ શકે છે

12 February, 2021 08:49 AM IST  |  France | Gujarati Mid-day Correspondent

મ્યુઝિયમના લગભગ ૧૮૦૦૦ વર્ષ જૂના શંખમાંથી હજીયે ધ્વનિ પેદા થઈ શકે છે

શંખનો મહિમા ભારતીય સંસ્કૃતિમાં વિશેષ છે, પરંતુ પશ્ચિમી સંશોધકો પણ શંખ-છીપલાં જેવી દરિયાઈ વસ્તુઓનું મહત્ત્વ સારી રીતે સમજે છે. ૧૯૩૧માં ફ્રાન્સમાં પુરાતત્ત્વશાસ્ત્રીઓએ કરાવેલા ખોદકામમાં ભીંતચિત્રો ધરાવતી પ્રાગૈતિહાસિક ગુફાઓ મળી હતી. એ ગુફામાંથી શંખ-છીપલાંનાં કેટલાંક સાધનો, વસ્તુઓ, વાસણો મળ્યાં હતાં. એ સાધનોને સ્થાનિક મ્યુઝિયમમાં રાખવામાં આવ્યાં છે. ૧૯૩૧ના એ ખોદકામમાં જે ગુફા મળી એમાં જંગલી ભેંસ કે પાડા જેવા પ્રાણીનું ભીંતચિત્ર હતું. એ ખોદકામ દરમ્યાન એક વિશિષ્ટ રીતે સુધારા-વધારા કરાયેલો શંખ પણ મળ્યો હતો.

ફ્રાન્સની યુનિવર્સિટી ઑફ તુલૌસના પુરાતત્ત્વશાસ્ત્રીઓએ ૧૯૩૧માં ખોદકામ દરમ્યાન પ્રાપ્ત વસ્તુઓ અને વિગતોની સમીક્ષાનો ઉપક્રમ તાજેતરમાં હાથ ધર્યો હતો. એમાં પેલા શંખમાંથી સંગીતમય ધ્વનિ ઊપજતો હોવાનું તેમણે અનુભવ્યું હતું. એ શંખ મૂળ રૂપે ખાસ પ્રસંગોએ પીણાં પીવાના પ્યાલા તરીકે વપરાતો હોવાનો અંદાજ નિષ્ણાતોએ દર્શાવ્યો હતો. ૧૨ ઇંચ લાંબો શંખ ૧૮,૦૦૦ વર્ષ જૂનો હોવાનું પુરાતત્ત્વનિષ્ણાતો માને છે.

offbeat news international news france