વડોદરાની શ્વેતા પરમાર માટે ‘સ્કાય ઇઝ ધ લિમિટ’

29 July, 2021 02:38 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અગાઉ સિવિલિયન લાઇસન્સ્ડ વુમન સ્કાયડાઇવર બનેલી રૅચલ થૉમસ, શીતલ મહાજન અને અર્ચના સરદાનાની હરોળમાં હવે શ્વેતા પરમાર પણ આવી ગઈ છે.

વડોદરાની શ્વેતા પરમાર માટે ‘સ્કાય ઇઝ ધ લિમિટ’

આપણે ક્યારેક કોઈકને કહી દેતા હોઈએ છીએ કે ‘બહુ હવામાં ન ઉડ’. જોકે વડોદરાની ૨૮ વર્ષની શ્વેતા પરમારને આવું કહેવાની કોઈની હિંમત છે? ના, જરાય નહીં; કારણ કે હવામાં ઊડવાનું જ તેનું સૌથી મોટું પૅશન છે અને એમાં તેણે વિક્રમ પણ નોંધાવ્યો છે.
‘સ્કાય ઇઝ ધ લિમિટ’ના મંત્રને સતત લક્ષમાં રાખનારી શ્વેતા દેશની એવી ચોથી અને ગુજરાત રાજ્યની પ્રથમ મહિલા છે જે નાગરિક ઉડ્ડયનનો પરવાનો મેળવનારી સ્કાયડાઇવર છે.
તેણે મંગળવારે આ સિદ્ધિ હાંસલ કરી હોવાનું જણાવતાં એ.એન.આઇ.ના અહેવાલમાં ઉમેરાયું છે કે અગાઉ સિવિલિયન લાઇસન્સ્ડ વુમન સ્કાયડાઇવર બનેલી રૅચલ થૉમસ, શીતલ મહાજન અને અર્ચના સરદાનાની હરોળમાં હવે શ્વેતા પરમાર પણ આવી ગઈ છે.
શ્વેતાએ એ.એન.આઇ.ને કહ્યું, ‘મેં ગુજરાતને આ ગૌરવ અપાવ્યું એનો મને ખૂબ આનંદ છે. મને એ વાતની પણ ખુશી છે કે હું આ સિદ્ધિ દ્વારા યુવા વર્ગ અને ખાસ કરીને છોકરીઓ માટે પ્રેરણા બનીશ. સ્કાયડાઇવિંગ જેવો રોમાંચક અનુભવ બીજો કોઈ નથી. હવે હું ઇન્સ્ટ્રક્ટર વિના સ્કાયડાઇવ કરવા માગું છું. ભારતમાં સ્કાયડાઇવિંગ બહુ ઓછી જગ્યાએ થાય છે અને એ પણ કાયમી ધોરણે નથી થતું હોતું. આ સાહસિક પ્રવૃિત્ત ઘણે ઠેકાણે થવી જોઈએ.’

offbeat news