ખોટી દવાને કારણે ચામડીનો રંગ થયો ભૂરો

07 December, 2022 11:24 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પૉલ કારાસનને ચહેરા પર સોજો આવવાની સમસ્યા હતી.

ખોટી દવાને કારણે ચામડીનો રંગ થયો ભૂરો

રૂપિયા બચાવવા કે પછી આળસને કારણે લોકો ડૉક્ટર પાસે જવાને બદલે પેપરમાં આવતી જાહેરાતથી જ આકર્ષાઈને કોઈ બીમારીની સારવાર શરૂ કરી દેતા હોય છે, જેનાં દુષ્પરિણામ પણ ભોગવવાં પડે છે. આવું જ કંઈક અમેરિકાના પૉલ કારાસન સાથે થયું હતું. અમુક દવાઓ લેવાને કારણે તેની ચામડીનો રંગ ભૂરો થઈ ગયો. લોકોને પણ એ જોઈને આશ્ચર્ય થતું હતું. પૉલ કારાસનને ચહેરા પર સોજો આવવાની સમસ્યા હતી. તેણે એક પેપરમાં આવતી જાહેરાતને જોઈને એ દવા લેવાની શરૂઆત કરી. જાહેરાતમાં એવો દાવો કરવામાં આવતો હતો કે કોલાઇડલ સિલ્વર લેવાને લીધે તમારું સ્વાસ્થ્ય સારું રહે છે. તેણે આ દવા એક દાયકા સુધી લીધી. ધીમે-ધીમે તેની ચામડીનો રંગ બદલાવા લાગ્યો. દવામાં રહેલાં હાનિકારક રસાયણને કારણે તેની ચામડીનો રંગ ભૂરો થઈ ગયો. ભૂતકાળમાં આ દવા એ બીમારી માટે વપરાતી હતી પરંતુ એની ભયાનક આડઅસરને કારણે અમેરિકન સરકારે આ દવાના વપરાશ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકી દીધો હતો. ચામડીનો રંગ ભૂરા રંગનો થઈ જતાં બાળકોએ એનું નામ પોતાના એક પ્રિય કાર્ટૂન કૅરૅક્ટરના નામ પર પેપા સ્મર્ફ રાખ્યું હતું, જેની ચામડીનો રંગ પણ ભૂરો જ હતો. બાળકો કહેતાં તો તેને ગમતું, પરંતુ મોટા પણ તેને આ નામથી બોલાવતા તો તેને ગમતું નહોતું. 

offbeat news