૨૦૦૦વર્ષ પહેલા પૉમ્પેઇના જ્વાળામુખીમાં દટાયેલા 2 માણસોના હાડપિંજર મળ્યા

23 November, 2020 08:44 AM IST  |  Mumbai | Mumbai correspondent

૨૦૦૦વર્ષ પહેલા પૉમ્પેઇના જ્વાળામુખીમાં દટાયેલા 2 માણસોના હાડપિંજર મળ્યા

૨૦૦૦વર્ષ પહેલા પૉમ્પેઇના જ્વાળામુખીમાં દટાયેલા 2 માણસોના હાડપિંજર મળ્યા

ઇટલીના આર્કિયોલૉજિકલ પાર્કના અધિકારીઓએ જણાવ્યું હતું કે તેમને પૉમ્પેઇમાં ખોદકામ કરતાં સાડાછ ફૂટ ઊંડે રાખના ઢગલા નીચેથી બે હાડપિંજર મળ્યાં હતાં. એ હાડપિંજર ૨૦૦૦ વર્ષ પહેલાં ફાટેલા માઉન્ટ વર્સિવિયસના જ્વાળામુખીના પ્રકોપમાંથી જીવતા બહાર નીકળવા પ્રયત્ન કરતાં-કરતાં જીવ ગુમાવનારા માણસોના હોવાનું પુરાતત્ત્વ નિષ્ણાતોનું માનવું છે. ભૂમધ્ય સમુદ્રના કાંઠે એક વિશાળ મહેલ સમાન ઘરના દટાયેલા કાટમાળમાંથી એકબીજાના પડખે પીઠ ટેકવી હોય એવી સ્થિતિમાં હાડપિંજર મળ્યાં હતાં.
ઇસવી સન ૭૯માં માઉન્ટ વર્સિવિયસનો જ્વાળામુખી ફાટતાં આખું રોમન શહેર નાશ પામ્યું હતું. ૨૦૧૭માં જે ઠેકાણે ખોદકામ કરતાં તબેલામાં ત્રણ ઘોડાનાં હાડપિંજર મળ્યાં હતાં એ જ વિસ્તારમાં કરેલા ખોદકામમાં આ બે માણસોનાં હાડપિંજર મળ્યાં હતાં. 
એક હાડપિંજર ૧૮થી ૨૫ વર્ષ વચ્ચેના ગુલામ કે મજૂર જેવું કામ કરતા યુવકનું અને બીજું હાડપિંજર ૩૦થી ૪૦ વર્ષ વચ્ચેના માણસનું હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.
પુરાતત્ત્વ ખાતાના પૉમ્પેઇ સ્થિત અધિકારીઓએ જણાવ્યું હતું કે ‘હાલના નેપલ્સ પાસે કરવામાં આવેલા ખોદકામમાં એ બે હાડપિંજર મળ્યાં હતાં. એ બે માણસો પહેલી વખત જ્વાળામુખી ફાટ્યો ત્યારે રાખના ઢગલાથી બચી ગયા હતા, પરંતુ બીજા દિવસની સવારે અનેક ઠેકાણે સમાંતર રીતે થયેલા વિસ્ફોટમાં બન્ને માર્યા ગયા હતા. ઉત્ખનન બાદના સંશોધન માટે મૃતદેહો નાશ પામવાની પ્રક્રિયા દરમ્યાન પોકળ બનતા ભાગમાં પ્રવાહી ચોક રેડવાની પદ્ધતિ અપનાવવામાં આવી હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.

international news offbeat news