31 May, 2024 04:13 PM IST | Singapore | Gujarati Mid-day Correspondent
ઝિરુઈ મેસન ઝોઉ
ઘણા લોકો એટલા જીનિયસ હોય છે કે તેમના માટે રુબિક્સ ક્યુબ એટલે કે રોટેટિંગ પઝલ સૉલ્વ કરવી ડાબા હાથનો ખેલ હોય છે. જોકે સિંગાપોરનું એક બાળક ખરેખર ડાબા હાથ વડે આ પઝલ ગણતરીની સેકન્ડમાં સૉલ્વ કરી નાખે છે. આ દરમ્યાન તેનો જમણો હાથ બૉલ જગલ કરવામાં રોકાયેલો હોય છે. આ બાળકનું નામ ઝિરુઈ મેસન ઝોઉ છે જેણે બૉલ જગલ કરતી વખતે સૌથી ઝડપી ૨x૨x૨ ક્યુબ સૉલ્વ કરવાનો ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો હતો. ઝિરુઈએ માત્ર ૧૦.૪૩ સેકન્ડમાં બૉલ જગલિંગ (વારાફરતી દડા હવામાં ઉછાળીને પકડવાની રમત) કરતી વખતે ૨x૨x૨ રોટેટિંગ પઝલ સૉલ્વ કરી હતી અને આ કૅટેગરીમાં નવો રેકૉર્ડ બનાવ્યો હતો. આ બાળકનો વિડિયો ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સના સોશ્યલ મીડિયા પેજ પર શૅર કરવામાં આવ્યો હતો. ઝિરુઈના હાથ અને આંખનું જોરદાર કોઑર્ડિનેશન જોઈને લોકો તેનાથી પ્રભાવિત થઈ ગયા હતા. એક વ્યક્તિએ કમેન્ટ કરી કે હું તો આ વિડિયો જોતી વખતે પણ ફોક્સ નથી કરી શકતો, આ બાળકે તો કમાલ કરી નાખી.