૧૯૧૯માં કાર્ટૂનિસ્ટે કરેલી આગાહી સાચી સાબિત થઈ

21 November, 2022 11:07 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

કાર્ટૂનને ટાઇટલ આપવામાં આવ્યું હતું, ‘ધ પૉકેટ ટેલિફોન : ક્યારેય એની રિંગ વાગશે.’

કૉન્ગ્રેસના નેતા શશી થરૂરે તેમના સોશ્યલ મીડિયા હૅન્ડલ પર ૧૯૧૯ના એક કાર્ટૂનનો ફોટો શૅર કર્યો છે

કૉન્ગ્રેસના નેતા શશી થરૂરે તેમના સોશ્યલ મીડિયા હૅન્ડલ પર ૧૯૧૯ના એક કાર્ટૂનનો ફોટો શૅર કર્યો છે, જેમાં આવતાં વર્ષોમાં ટેક્નૉલૉજીની માનવજીવન પર કેવી અસર થશે એની ભવિષ્યવાણી કરવામાં આવી છે. મજાની વાત એ છે કે હાલમાં આપણે એ પરિસ્થિતિ પર પહોંચી ગયા છીએ અને ટેક્નૉલૉજીએ આપણા જીવનમાં એ અસર ઊપજાવી છે. કાર્ટૂનને ટાઇટલ આપવામાં આવ્યું હતું, ‘ધ પૉકેટ ટેલિફોન : ક્યારેય એની રિંગ વાગશે.’ એમાં એક વ્યક્તિના જીવનમાં અચાનક મોબાઇલ ફોનની રિંગ વાગે ત્યારે શું થાય એ સમજાવાયું છે. શરૂઆતમાં એવું બતાવાય છે એક વ્યક્તિ ટ્રેનમાં ચડવા માટે દોડી રહ્યો છે ત્યારે મોબાઇલ ફોનની રિંગ વાગે છે. અન્ય એક ઉદાહરણમાં એક વ્યક્તિ મોબાઇલ ફોન પકડવાનો પ્રયાસ કરે છે જ્યારે તેના બન્ને હાથમાં સામાન હોય છે. ત્રીજા ઉદાહરણમાં એક વ્યક્તિ ફોન પર બોલવાનો પ્રયાસ કરે છે, પરંતુ આસપાસ બહુ જોરથી વરસાદ પડતો હોય છે. ચોથા ઉદાહરણમાં એક વ્યક્તિ એક જાહેર કાર્યક્રમ જોવા બેઠો હોય છે ત્યારે તેના ફોનની રિંગ વાગે છે. આસપાસના લોકો રિંગનો અવાજ બંધ કરવાનું કહે છે. અન્ય બે ઉદાહરણમાં એક વ્યક્તિ લગ્ન કરી રહ્યો હોય છે ત્યારે ફોનની રિંગ વાગે છે.

 

અન્ય એક ઉદાહરણમાં તેને નવજાત શિશુની સંભાળ રાખવાની હોય છે ત્યારે ફોનની રિંગ વાગે છે. એ વખતે ત્યાં ઊભેલી તેની પત્ની કહે છે, ‘આ અવાજ બાળકને ડરાવે છે.’ શશી થરૂરે આ કાર્ટૂન શૅર કરતાં લખ્યું હતું, ‘કેટલીક વખત ટેક્નૉલૉજી વિશેની આગાહી કેટલી સચોટ હોય છે. આ કાર્ટૂન જુઓ ત્યારે હજી ફિક્સ લાઇન ટેલિફોન પણ દુર્લભ હતા અને ત્યારે આ પ્રકારની સમસ્યાની કલ્પના કરવામાં આવી હતી, જે ૮૦ વર્ષ બાદ સાચી સાબિત થઈ.’ એક યુઝરે સમય કરતાં આગ‍ળ વિચારતા કાર્ટૂનિસ્ટની પ્રશંસા કરી છે.  

offbeat news shashi tharoor national news