૧૨ વર્ષની બાળકીએ પાડોશનાં બાળકોને ભણાવવાનું બીડું ઝડપ્યું

13 February, 2021 09:28 AM IST  |  Egypt | Gujarati Midday Correspondent

૧૨ વર્ષની બાળકીએ પાડોશનાં બાળકોને ભણાવવાનું બીડું ઝડપ્યું

કોરોના રોગચાળાના લૉકડાઉનના દિવસોમાં સ્કૂલો બંધ હતી ત્યારે વિશ્વના કરોડો વિદ્યાર્થીઓનું ભણતર ખોરવાઈ ગયું હતું, કારણ કે ઑનલાઇન અભ્યાસ માટે પણ કમ્પ્યુટર, સ્માર્ટફોન અને મોબાઇલ નેટવર્કની જરૂર પડે. પહેલાં બે સાધનો હોય અને નેટવર્ક ન હોય તો પણ અભ્યાસ મુશ્કેલ છે. ગરીબો માટે તો સ્કૂલો ખૂલવાની રાહ જોવા સિવાય વિકલ્પ નહોતો, પરંતુ ઘણા પરગજુ શિક્ષકો અને અન્ય નાગરિકોએ સ્વેચ્છાએ વિદ્યાદાનનો યજ્ઞ આદર્યો હતો. એ પ્રકારના અનેક કિસ્સા ભારતમાં તથા અન્ય દેશોમાં પણ આપણા ધ્યાનમાં આવ્યા છે. ઇજિપ્તની રાજધાની કેરોથી ૮૦ કિલોમીટર દૂર ઉત્તર દાખલિયા પ્રાંતના એક ગામની સાંકડી ગલીમાં રીમ અલ ખુલી નામની બા‍ળકીએ તેના ગામનાં નાનાં બાળકોનું ભણતર ન અટકે એ માટે તેમને નિયમિત ભણાવવાનું શરૂ કર્યું હતું. શરૂઆતમાં ફક્ત નોટબુક અને પેન-પેન્સિલનો ઉપયોગ કરતી હતી, પરંતુ પછીથી તેને બ્લૅકબોર્ડ અને ચોક તેમ જ વાઇટ બોર્ડ અને માર્કર પેનની પણ વ્યવસ્થા કરી આપવામાં આવી હતી. ઓપન ઍર ક્લાસિસમાં રીમ અલ ખુલી તેનાથી નાની ઉંમરનાં બાળકોને અરબી અને અંગ્રેજી ભાષા ઉપરાંત ગણિત અને ધર્મના વિષયો પણ ભણાવતી રહી છે.

offbeat news international news egypt