11 June, 2025 12:41 PM IST | Russia | Gujarati Mid-day Correspondent
કિરિલ તેરાશિન
રશિયાનો કિરિલ તેરાશિન નામનો ૨૮ વર્ષનો સોશ્યલ મીડિયા ઇન્ફ્લુએન્સર અત્યારે પોતાના જ કામ પર પસ્તાઈ રહ્યો છે. બૉડી બિલ્ડિંગ કરવાનો શોખ ધરાવતા કિરિલને જિમમાં એક્સરસાઇઝ કરીને અને પ્રોટીન પાઉડર લઈને મસલ્સ બનાવવાને બદલે કોઈકે મસલ્સ ફુલાવવા માટે તેલ ભરવાનો શૉર્ટકટ સૂચવ્યો જે તેને બહુ ગમી ગયો. શરૂઆતમાં તેણે પાંચથી ૧૦ મિલીલીટર જેટલું તેલ લઈને પોતાનાં બાવડાંમાં ઘુસાડવાનું શરૂ કર્યું. શરૂઆતમાં એનું રિઝલ્ટ ખૂબ સારું મળ્યું. ઇન્સ્ટન્ટ બાવડાં ફૂલી જતાં હોવાથી તે ઇન્સ્ટાગ્રામ રીલ્સમાં છવાઈ જવા લાગ્યો. જોકે બાવડાંમાં તેલ ભરવાની આ લત તેને બહુ દૂર સુધી લઈ ગઈ. તે વારંવાર બાવડાંમાં તેલ ભરીને એને ફુલાવતો જ ગયો. શરૂઆતમાં તો તેને બહુ મજા આવી અને તેણે સોશ્યલ મીડિયા પર એ કૃત્રિમ ફૂલેલાં બાવડાંનું પ્રદર્શન કરીને લાખો ફૉલોઅર્સ પણ મેળવ્યા. જોકે થોડા સમય પહેલાં તેની આ હાલત જોઈને ડૉક્ટરોએ તેને હવે બસ કરવાની વૉર્નિંગ આપી હતી, પણ કિરિલભાઈ રોકાયા નહીં. થોડા દિવસ પહેલાં મસલ્સ ફાટીને એમાંથી તેલ નીતરવા લાગ્યું ત્યારે ઇમર્જન્સીમાં કિરિલે હૉસ્પિટલભેગા થવું પડ્યું હતું. પાંચ દિવસ પહેલાં જ તેણે સોશ્યલ મીડિયા પર પોતાનાં પાટા બાંધેલાં બાવડાં બતાવ્યાં છે. એ લબડી પડ્યાં છે અને પાછળ હૉસ્પિટલનું સેટઅપ અને દવાઓનો ઢગલો છે. હવે પોતે જ લખે છે, ‘બાયસેપ્સ દૂર કરવાની સર્જરી થઈ રહી છે.’