29 March, 2026 03:04 PM IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent
મોબાઇલ પર જે બૅલૅન્સ જમા થયું એનો વિડિયો બનાવીને તેણે સોશ્યલ મીડિયામાં મૂક્યો હતો
ઉત્તર પ્રદેશના મૈનપુરી જિલ્લાના દેવગંજ ગામમાં એક મહિલાના ખાતામાં માંડ ૪૫,૦૦૦ રૂપિયાનું બૅલૅન્સ હતું. તે ખેતરમાં પતિ સાથે કામ કરી રહી હતી અને તેને એક મેસેજ આવ્યો કે તેના ખાતામાં રૂપિયા જમા થયા છે. આ રૂપિયાની રકમ જોઈને મહિલા અને તેનો પતિ આભા થઈ ગયાં. રકમ હતી ૯ કરોડ ૯૯ લાખ ૪૯ હજાર ૫૮૬ રૂપિયા. ખાતામાં ઑલરેડી ૪૫,૦૦૦ રૂપિયા હતા એટલે અચાનક જ તેના ખાતામાં ૧૦ કરોડ રૂપિયાનું બૅલૅન્સ આવી ગયું. જોકે આટલાબધા રૂપિયા જોયા પછીયે મહિલાનું મન જરાય ચળ્યું નહીં. તેણે એક પણ રૂપિયો કાઢ્યા વિના તરત જ આ વાતની જાણ પોતાની બૅન્કને કરી હતી. મોબાઇલ પર જે બૅલૅન્સ જમા થયું એનો વિડિયો બનાવીને તેણે સોશ્યલ મીડિયામાં મૂક્યો હતો.