25 May, 2024 02:02 PM IST | Japan | Gujarati Mid-day Correspondent
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
મગજને કસવા માટે રુબિક્સ ક્યુબ બહુ રસપ્રદ અને ચૅલેન્જિંગ રમત છે. ઘણા લોકો આ રમતમાં એટલા પાવરધા હોય છે કે ફટાફટ એક મિનિટની અંદર જ પઝલ સૉલ્વ કરી નાખે છે. ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સ અનુસાર કોઈ માણસ દ્વારા ૩x૩x૩ ક્યુબ સૉલ્વ કરવાનો સૌથી ઝડપી સરેરાશ સમય ૪.૪૮ સેકન્ડનો છે, પરંતુ કોઈ રોબો કેટલી ઝડપથી આ પઝલ સૉલ્વ કરી શકે? જપાનની એક કંપનીના રોબોએ તાજેતરમાં આ કામ એક સેકન્ડથી પણ ઓછા સમયમાં પૂરું કરીને વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો હતો. મિત્સુબિશી ઇલેક્ટ્રિક કૉર્પોરેશનના કમ્પોનન્ટ પ્રોડક્શન એન્જિનિયરિંગ સેન્ટરે તૈયાર કરેલા આ રોબોટે ૦.૩૦૫ સેકન્ડમાં એટલે કે આંખના પલકારા કરતાં પણ ઓછા સમયમાં ક્યુબને ગોઠવી બતાવ્યો હતો. આ વિડિયો વાઇરલ થતાં એક વ્યક્તિએ કમેન્ટ કરી હતી કે ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સે રોબોઝની આવૃત્તિ પણ રજૂ કરી દેવી જોઈએ.