10 March, 2025 01:15 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વાઘનાં હાડકાંમાંથી બનતો ટાઇગર બોન ગ્લુ એટલે કે ગુંદર પારંપરિક ચિકિત્સા માટે ખૂબ ઉપયોગી માનવામાં આવે છે
વાઘનાં હાડકાં વાઘ માટે દુશ્મન બની ગયાં છે. વાઘનાં હાડકાંમાંથી બનતો ટાઇગર બોન ગ્લુ એટલે કે ગુંદર પારંપરિક ચિકિત્સા માટે ખૂબ ઉપયોગી માનવામાં આવે છે અને એને લીધે વાઘનો શિકાર વધવા લાગ્યો છે. મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રનાં મધ્ય ભારતનાં જંગલોમાં ટાઇગર બોન ગ્લુ માટે વાઘનો શિકાર મોટા પ્રમાણમાં થઈ રહ્યો છે એવું તાજેતરમાં એક આંતરરાષ્ટ્રીય શિકાર નેટવર્કનો પર્દાફાશ થયો એમાં જાણવા મળ્યું હતું.
વાઘનાં હાડકાંને બે-ત્રણ દિવસ સુધી પ્રેશર કુક કરીને ટાઇગર બોન ગ્લુ બનાવવામાં આવે છે. આ પ્રક્રિયામાં જે પ્રોડક્ટ તૈયાર થાય છે એ ભૂરા રંગનો ચીકણા રસ જેવો પદાર્થ હોય છે જેને કેકસ્વરૂપે વેચવામાં આવે છે.
ટાઇગર બોન ગ્લુનો ઉપયોગ પારંપરિક ચિકિત્સામાં કરવામાં આવે છે. એને માંસપેશીઓ અને હાડકાંની બીમારીઓનો રામબાણ ઇલાજ માનવામાં આવે છે. એ શક્તિ વધારે છે અને કામોદ્દીપક તરીકે પણ એનો પ્રયોગ કરવામાં આવે છે. ટાઇગર બોન ગ્લુની માગ એટલી ઝડપથી વધી રહી છે કે ચીન, વિયેટનામ અને દક્ષિણ પૂર્વ એશિયાના અન્ય હિસ્સામાં ગેરકાયદે ધમધમતાં વાઘ-ફાર્મ પણ એને પૂર્ણ કરવા અસમર્થ છે.