26 October, 2026 02:10 PM IST | England | Gujarati Mid-day Correspondent
પોકેમોનનાં કાર્ડ્સ વેચીને મળ્યા ૨૦ કરોડ
એક જમાનો હતો જ્યારે બાળકો પોકેમોનની રમત ખૂબ રમતાં અને એનાં કાર્ડ્સ પણ જમા કરતાં રહેતાં. ઇંગ્લૅન્ડના વૉકિંગ શહેરમાં રહેતા એક રિટાયર્ડ ડેકોરેટરને પણ પોકેમોનનાં કાર્ડ્સ સંઘરવાનો શોખ હતો. તેમને ખબર નહોતી કે આ કાર્ડ્સ બહુ મૂલ્યવાન છે. એક વાર તેમણે કોઈ છાપામાં વાંચ્યું કે કોઈકે જૂનું પોકેમોનનું એક કાર્ડ ૮ લાખ રૂપિયામાં વેચ્યું. આ વાંચીને તેમને થયું કે એક કાર્ડ જો લાખોમાં વેચાતું હોય તો તેમની પાસે તો એનો ખજાનો છે. આ ભાઈએ છેક ૧૯૯૦ની સાલથી પોકેમોનનાં કાર્ડ્સ સંઘરવાનું શરૂ કરેલું. પોતાના પછી તેમના દીકરાને એનો શોખ લાગ્યો હતો. એ સમયે તેમણે કાર્ડ્સ ખરીદવા માટે લગભગ ૪૦,૦૦૦થી ૫૦,૦૦૦ રૂપિયા ખર્ચ્યા હતા. તાજેતરમાં એક ઑક્શન હાઉસમાં એ વેચાવા નીકળ્યાં ત્યારે ભાઈનું કલેક્શન ૨૦ કરોડ રૂપિયામાં વેચાયું હતું. ઑક્શન હાઉસનું કહેવું છે કે ટ્રેડિંગ કાર્ડ્સની આ અત્યાર સુધીની સૌથી મોંઘી લિલામી હતી.