રેસ્ટોરાં હવે હૅન્ડસમ અને અટ્રૅક્ટિવ ડિલિવરીમૅન રાખી રહ્યા છે

23 May, 2020 09:03 AM IST  |  Thailand | Gujarati Mid-day Correspondent

રેસ્ટોરાં હવે હૅન્ડસમ અને અટ્રૅક્ટિવ ડિલિવરીમૅન રાખી રહ્યા છે

લૉકડાઉનમાં હોટેલ્સ અને રેસ્ટોરાંને ઘણું નુકસાન થઈ રહ્યું છે ત્યારે થાઇલૅન્ડના બૅન્ગકૉકની એક રેસ્ટોરાંએ ધંધામાં ટકી રહેવા માટે નવી તરકીબ શોધી લીધી છે. આમ તો લોકો એ રીતને શોભાસ્પદ ગણતા નથી, પરંતુ રેસ્ટોરાંના માલિકોએ એ રસ્તો અપનાવ્યો છે. થાઇલૅન્ડના લાત ફરાઓ વિસ્તારની ૭૬ ગૅરેજ નામની રેસ્ટોરાંમાં બહારથી જે ફૂડ-ઑર્ડર આપવામાં આવે એની ડિલિવરી માટે જિગોલો જેવા કહી શકાય એવા અને કસાયેલી શરીર ધરાવતા તરવરિયા જુવાનિયાઓને નોકરીમાં રાખ્યા છે. પાંચ કિલોમીટર સુધીના વિસ્તારમાં ૯૦૦ રૂપિયા અથવા એથી વધારે કિંમતના ફૂડ-ઑર્ડરની ડિલિવરી માટે મહિલાઓ ‌ફિદા થઈ જાય એવા મસલમૅન રાખ્યા છે. બૉડીબિલ્ડર જેવા જણાતા ડિલિવરી બૉય્ઝની સાથે લોકો સેલ્ફી લે છે અને અન્યો પાસે ફોટો પડાવે છે. શર્ટનાં બટન ખોલીને લલચામણા સેક્સી લુક સાથેના ડિલિવરી બૉય્ઝના ફોટો સોશ્યલ મીડિયા પર ફરતા થયા છે. રેસ્ટોરાંની આ પદ્ધતિ વિવાદનો વિષય તો બની જ છે. સેક્સી ડિલિવરી બૉય્ઝને કારણે ફક્ત મહિલાઓ ૭૬ ગૅરેજ રેસ્ટોરાંને વધારે ઑર્ડર આપે છે કે પછી દરેક ઉંમરનાં નર-નારી, નાન્યતર બધા ઑર્ડર આપે છે એ સ્પષ્ટ થયું નથી, પરંતુ એકંદરે રેસ્ટોરાંનો બિઝનેસ નોંધપાત્ર પ્રમાણમાં વધ્યો છે. એ ડિલિવરી બૉય્ઝને સારી રકમની ટિપ્સ મળે છે અને એ જુવાનિયાઓ મીઠી વાતો કરીને  રેસ્ટોરાંના કાયમી ગ્રાહકોની સંખ્યા પણ વધારે છે. ૭૬ ગૅરેજ રેસ્ટોરાંના ફેસબુક-પેજ પર એના સ્ટાફર્સના લાઇવ વિડિયો પણ પોસ્ટ કરવામાં આવે છે. 

international news thailand bangkok lockdown offbeat news