15 August, 2025 09:15 AM IST | Antartica | Gujarati Mid-day Correspondent
રેડ પાણીનો ધોધ
જ્યાં માનવવસ્તી લગભગ નહીંવત્ છે એવા વિશ્વના ઍન્ટાર્કટિકા ખંડમાં એક ખીણવિસ્તાર છે જ્યાં તમને રૂ જેવી સફેદ ગ્લૅસિયર્સની વચ્ચેથી લોહીનો ધોધ વહેતો હોય એવાં દૃશ્યો પણ જોવા મળી શકે છે. મૅકમુર્ડોની ડ્રાય વૅલીમાં ટાઇલર ગ્લૅસિયરમાંથી એક ધોધ વહે છે જે ક્યારેક ખૂબ જ ઘેરા લાલ રંગનું સ્વરૂપ લઈ લે છે. એકદમ ક્રિમસન રેડ રંગનું આ પાણી જાણે લોહીનો ધધૂડો પડી રહ્યો હોય એવી ફીલ આપે છે. જોકે આ જોઈને ડરવાની જરૂર નથી. આ રંગ અહીંના આયર્ન-રિચ ક્ષારવાળા પાણીને કારણે આવે છે. સદીઓ સુધી આઇસના ઢગલાની અંદર દટાયેલો ક્ષારયુક્ત બરફ ઑક્સિજનના સંસર્ગમાં આવવાથી પીગળે છે અને એમાંના આયર્નને કારણે એ પાણી લાલ રંગ પકડે છે. આ પ્રાચીન ખારા પાણીમાં અગણિત સૂક્ષ્મ જીવો કોઈ પ્રકાશ કે ઑક્સિજન વિના દસ લાખ કે એથી વધુ વર્ષથી જીવિત રહ્યા હોય છે. જ્યારે પણ ટાઇલર ગ્લૅસિયરમાંથી પાણીનો ધોધ વહે છે ત્યારે આવાં લોહિયાળ દૃશ્યો જોવા મળે છે.