05 September, 2025 02:42 PM IST | Kerala | Gujarati Mid-day Correspondent
ઓણમની મિજબાની માટે ૩૩૯ વાનગીઓ બનાવવામાં આવી
કેરલામાં ઓણમના ઉત્સવમાં ખૂબબધી વાનગીઓ સાથેનું ભોજન એટલે કે સધ્યાનું આયોજન કરવામાં આવતું હોય છે. સામાન્ય રીતે એમાં એકવીસથી ૩૦ વાનગીઓનો થાળ બનાવવામાં આવે છે. જોકે હાલમાં ચાલી રહેલા ઓણમના ઉત્સવમાં સધ્યાની મિજબાનીમાં રેકૉર્ડબ્રેક વાનગીઓ બનાવીને પીરસવામાં આવી છે. કેરલાની ઇરિન્જલકુડા ક્રાઇસ્ટ કૉલેજના કૉમર્સ ડિપાર્ટમેન્ટે મેગા ઓણમસધ્યાનું આયોજન કર્યું હતું, જેમાં કેળનાં પત્તાં પર ૩૯૯ વાનગીઓ પીરસવામાં આવી હતી. મિજબાનીના આ થાળને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં સ્થાન મળે એ માટે અરજી કરવામાં આવી છે.
૨૦૨૨માં એશિયન બુક ઑફ રેકૉર્ડ્સમાં ૨૪૧ વાનગીઓની ઓણમસધ્યાનો રેકૉર્ડ નોંધાયો હતો. ૨૦૨૩માં એ તૂટીને ૩૨૧ વાનગીઓનો થયો હતો. જોકે તાજેતરમાં એમાં પણ વધારો કરીને પૂરી ૩૩૯ વાનગીઓ તૈયાર કરવામાં આવી છે. એમાં ૫૦ પ્રકારનાં પાયસમ, ૮૩ પ્રકારની સબ્જીઓ, ૫૭ પ્રકારનાં અથાણાં, ૫૮ પ્રકારની કોકોનટમાંથી બનેલી સાઇડ ડિશ, ૨૫ ફ્રાઇડ આઇટમ્સ, ૬૪ સ્વીટ્સ અને બીજાં ડઝનબંધ પીણાં તૈયાર કરવામાં આવ્યાં હતાં. મીઠાઈમાં મૈસૂબ પાક, જલેબી, હલવો, રવા લડ્ડુ જેવી વાનગીઓ પણ હતી. આ વાનગીઓ ૯૫૦ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને મહેમાનોને પીરસવામાં આવી હતી.
જોકે પરંપરાગત ઓણમ ઉજવનારા લોકોને આટલીબધી વાનગીઓની લૅવિશ મિજબાનીની જરૂર નથી હોતી. આ ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ માટે જ ખાસ તૈયાર કરવામાં આવેલી ઇવેન્ટ હતી. જોકે હજી એને રેકૉર્ડબુકમાં પ્રમાણિત કરવાનું કામ બાકી છે.