મોં પર ઊગેલા વાળમાં ઢંકાઈ ગયો છે ૧૩ વર્ષના ટીનેજરનો ચહેરો

21 February, 2019 08:51 AM IST  | 

મોં પર ઊગેલા વાળમાં ઢંકાઈ ગયો છે ૧૩ વર્ષના ટીનેજરનો ચહેરો

13 વર્ષનો લલિત પાટીદાર

મધ્ય પ્રદેશના રતલામ શહેરમાં રહેતો લલિત પાટીદાર નામનો ૧૩ વર્ષનો છોકરો જન્મજાત હાઇપરટ્રાઇકોસિસ નામની બીમારી લઈને આવ્યો છે. આ કન્ડિશનને વેઅરવુલ્ફ સિન્ડ્રૉમ પણ કહે છે; કેમ કે આ રોગમાં માણસના ચહેરા, હાથ, પગ અને ઓવરઑલ શરીર પર એટલા ઘના અને લાંબા વાળનો ગ્રોથ વધી જાય છે કે જાણે માણસે વરુ જેવો મુખવટો પહેર્યો હોય એવું લાગે છે. લલિતના કેસમાં આખો ચહેરો વાળથી ઢંકાયેલો છે. તેની આંખો, હોઠ અને નાક પણ તમે અલગ ન તારવી શકો એટલા ઘેરા વાળ તેના મોં પર છે. તે નાનો હતો ત્યારે વાળવાળો ચહેરો જોઈને બીજા છોકરાઓ ડરી જતા અને તેને મન્કી કહીને દૂરથી પથરા ફેંકતા. જોકે લલિત તેમને વળતો જવાબ આપતો નહીં. ખૂબ શાંત અને સાલસ સ્વભાવને કારણે બાળકો અને હમઉમ્ર દોસ્તોએ લલિતને તેના ચહેરાના વાળ સાથે સ્વીકારી લીધો છે. લલિત ભણવામાં હોંશિયાર છે. તેને રમતો રમવાનો પણ શોખ છે અને તે બીજી બધી જ રીતે હેલ્ધી છે. તેને પહેલાં પોતાના ચહેરા અને દેખાવ માટે શરમ આવતી હતી, પણ હવે તેણે એનો સ્વીકાર કરી લીધો છે.

આ પણ વાંચોઃ ફુલ બ્રાઇટ મોડમાં મોબાઇલ વાપરતી આ કન્યાના કૉર્નિયામાં પડી ગયાં ૫૦૦ કાણાં

તેને સમજાઈ ગયું છે કે આ સ્થિતિનો કોઈ ઇલાજ નથી. તેની ઇચ્છા પોલીસ-ઑફિસર બનવાની છે. લલિતને પાંચ બહેનો છે અને સંયુક્ત પરિવારમાં કુલ ૧૪ સભ્યો છે. તેની બહેનો લલિતની બેસ્ટ ફ્રેન્ડ્સ છે. તેના ચહેરા પર જ્યારે વાળ ખૂબ વધી જાય ત્યારે તે ઉપરથી કાપીને એને ટ્રિમ કરી લે છે. તેની મમ્મી પાર્વતી અને પપ્પા બંકતલાલ ખેતી કરીને ગુજરાન ચલાવે છે. પાંચ દીકરીઓ પછી દીકરો આવે એવી માનતા તેમણે રાખેલી અને એમાં લલિત જન્મ્યો હોવાથી તેને હાથમાં રાખે છે.

offbeat news hatke news