16 June, 2025 12:33 PM IST | Rajasthan | Gujarati Mid-day Correspondent
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
રાજસ્થાનના કરૌલીમાં એક લગ્નવિધિમાં અનોખી ઘટના ઘટી. લગ્નની વિધિ લગભગ સંપન્ન થવા આવી હતી ત્યારે અચાનક એક કબૂતર બહારથી ઊડીને આવ્યું અને દુલ્હનના માથે બેસી ગયું. ન એ કોઈથી ડરતું હતું, ન એ ફફડાટ કરીને કોઈને ડરાવતું હતું. કબૂતરને માથે બેઠેલું જોઈને પહેલાં તો લોકો હસવા લાગ્યા અને કોઈકે તો તરત જ એને ભગાવવાની કોશિશ પણ કરી. જોકે તરત જ એ વખતે દુલ્હનના પરિવારમાંથી કોઈકે દુલ્હનને જરાય હલ્યા વિના બેસી રહેવા કહ્યું. પંડિતજીએ પણ તરત કહ્યું કે આ પ્રકારની ઘટના ખૂબ શુભ હોય છે કેમ કે કબૂતર આત્મા અને પૂર્વજોનું પ્રતીક છે જે શુભ પ્રસંગે પોતાના આશીર્વાદ આપવા માટે દેખા દે છે. કોઈકને આ કબૂતરમાં દુલ્હનના દાદાજી જેવી વર્તણૂક દેખાઈ અને તેણે વાત ચલાવી કે આ તો દાદાજી દીકરીને આશીર્વાદ આપવા આવ્યા છે. એ હકીકત હોય કે ન હોય, પરંતુ દીકરીની વિદાય ન થઈ ત્યાં સુધી આ કબૂતર ત્યાં આસપાસ જ મંડરાતું રહ્યું હતું.