ઘઉંની ગૂણીમાં પત્નીએ ૧૫ લાખના દાગીના છુપાવેલાઃ ભૂલથી પતિએ ગૂણી વેચી નાખી, પણ ખરીદનારે દાગીના પાછા આપ્યા

18 March, 2026 01:17 PM IST  |  Rajasthan | Gujarati Mid-day Correspondent

રાજસ્થાનના પાલી જિલ્લામાં ખેરવા ગામમાં અનાજના એક વેપારીએ ઈમાનદારીની મિસાલ રજૂ કરી હતી

ઘીસારામ, તેની પત્ની ગદ્ગદ થઈ ગયાં અને આખા ગામને આ વાતની નવાઈ લાગી.

રાજસ્થાનના પાલી જિલ્લામાં ખેરવા ગામમાં અનાજના એક વેપારીએ ઈમાનદારીની મિસાલ રજૂ કરી હતી. તેણે ઘઉંની બોરીમાંથી મળેલાં ૧૫ લાખ રૂપિયાનાં ઘરેણાં ખેડૂતને પાછાં આપ્યાં હતાં. વાત એમ હતી કે ઘીસારામ નામના ખેડૂતે ઘરમાં ઘઉંનો પાક લણીને એની ગૂણીઓ ભરી રાખી હતી. ઘરમાં કામ ચાલતું હતું ત્યારે બહારના લોકોની અવરજવર વધુ હોવાથી ખેડૂત-પત્નીએ ઘરમાં રહેલાં ઘરેણાં સુરક્ષિત રાખવા માટે ઘઉંની ગૂણીમાં એક ડબ્બો ભરીને મૂકી દીધાં હતાં. જોકે એક દિવસ ઘીસારામે પત્નીની જાણ બહાર એ ઘઉંની ગૂણીઓ કાઢીને નજીકના શહેરમાં જઈને અનાજના વેપારીને વેચી દીધી. ૫૦-૫૦ કિલોની બે ગૂણી જ્યારે મંગુ ખાને ખરીદી ત્યારે તેને પણ અંદાજ નહોતો કે એમાંથી તેને આટલો મોટો દલ્લો મળશે. એ તો ૧૫ માર્ચે જ્યારે મંગુ ખાને લોટ દળવા માટે ઘઉં કાઢ્યા ત્યારે એમાંથી ટિફિનનો સ્ટીલનો ડબ્બો નીકળ્યો. તેને લાગ્યું કે પત્ની ડબ્બો ભૂલી ગઈ હશે એટલે તેણે પત્નીને પૂછ્યું. મંગુ ખાનની પત્નીએ કહ્યું કે મને આવા કોઈ ટિફિનની ખબર નથી એટલે મંગુ ખાને ટિફિન ખોલ્યું. જોયું તો અંદરથી સોનાનાં ઘરેણાં નીકળ્યાં. જો આ પોતાની પત્નીનાં નથી તો ચોક્કસ પેલા ઘીસારામ ખેડૂતનાં જ હોઈ શકે. મંગુ ખાને જરાય લાલચ મનમાં લાવ્યા વિના ઘીસારામને ઘરેણાં ભરેલો ડબ્બો પાછો આપ્યો. ઘીસારામ, તેની પત્ની ગદ્ગદ થઈ ગયાં અને આખા ગામને આ વાતની નવાઈ લાગી. 

offbeat news rajasthan india national news