16 November, 2026 06:34 PM IST | Rajasthan | Gujarati Mid-day Correspondent
જીવના જોખમે ૧૦૦૦ ફુટ ઊંડા પાતાળલોકમાં જઈને ચા પીધી આ ખેડૂતે
માણસોની કલ્પનામાં સ્વર્ગલોક અને પાતાળલોકની વાતો બહુ થતી આવી છે, પરંતુ રાજસ્થાનના એક સાહસિક ખેડૂતે પોતાનો જીવ જોખમમાં મૂકીને જમીનથી આશરે ૧૦૦૦ ફુટ ઊંડે ઊતરીને પાતાળ જેવો જ માહોલ દુનિયા સામે રજૂ કર્યો હતો. અલબત્ત, આ કંઈ મનોરંજન માટે નહોતું, સુકાઈ રહેલા કૂવાઓને ફરી જીવંત કરવા માટે ખેડૂતો કેટલો સંઘર્ષ કરે છે એનો ચિતાર આપવા માટે હતું. ખેડૂતે શૅર કરેલા વિડિયોમાં તે કોઈ જ સેફ્ટી-ગાર્ડ વિના માત્ર એક પાતળા દોરડા અને લોખંડના એક પ્લૅટફૉર્મનો ઉપયોગ કરીને અંધારા કૂવામાં ઊતરતો જોવા મળે છે. તે ૩૦૦ ફુટ નીચે પહોંચે છે એટલે સૂરજનો પ્રકાશ અને નેટવર્ક જતાં રહે છે. જેમ ઊંડે જાય છે એમ હવા એટલી ભારે થઈ જાય છે કે શ્વાસ લેવામાં પણ તકલીફ પડવા લાગે છે. વિડિયોમાં તે બતાવે છે કે જમીનમાં ઊંડે ઊતરી ગયા પછી ત્યાં સાપ કે વીંછી નથી હોતા. આ સ્ટન્ટ બોરિંગના ખોદકામ સાથે સંકળાયેલો હતો એટલે તે આ ખાડામાં એકલો નહોતો. છેક ૧૦૦૦ ફુટ ઊંડે ઑલરેડી એક માણસ કામ કરતો હતો. આટલે નીચે આવ્યા પછી ખેડૂતે સૌથી પહેલાં તો થાક ઉતારવા માટે ગરમાગરમ ચાની ચૂસકી લીધી હતી. જ્યારે કૂવો સુકાઈ જાય ત્યારે એને ફરીથી પાણીવાળો કરવા માટે સાઇડ બોરિંગ ખોદવામાં આવે છે અને એમાં કૂવાની મજબૂત દીવાલોને અંદરથી ખાસ મશીન વડે ડ્રિલ કરીને હૉરિઝૉન્ટલ બોરિંગ ખોદવામાં આવે છે. એમ કરવાથી આસપાસના પથ્થરો અને માટીમાં છુપાયેલું શુદ્ધ અને મીઠું પાણી ઝરણાની જેમ કૂવામાં આવવા લાગે છે.
કોઈ પણ જાતના બનાવટી દેખાડા વગર બનાવાયેલો આ વિડિયો આપણા અન્નદાતાના અદમ્ય સાહસ અને ખેતરોની પ્યાસ બુઝાવવા માટે કરવામાં આવતી અકલ્પનીય મહેનતની સાચી ઝલક આપે છે.