15 January, 2025 04:48 PM IST | Jaipur | Gujarati Mid-day Correspondent
રાજસ્થાનના ડૉક્ટરે એક જ જગ્યાએ પીપળાના ૧૦૦૧ છોડ લગાવીને અનોખો રેકૉર્ડ બનાવ્યો
રાજસ્થાનના સિકર જિલ્લામાં રહેતા ડૉ. વી. કે. જૈને એક સિંગલ પાર્કમાં એક જ દિવસમાં પીપળાના ૧૦૦૧ રોપા લગાવીને અનોખો રેકૉર્ડ કર્યો હતો અને તેમને ઇન્ડિયા બુક ઑફ રેકૉર્ડ્સમાં સ્થાન મળ્યું હતું. આવી સિદ્ધિ મેળવનારી તેઓ પહેલી વ્યક્તિ છે, તેમને મેડલ અને સર્ટિફિકેટ આપવામાં આવ્યાં હતાં. આ પહેલાં એક વ્યક્તિએ એક જ સ્થળે એક દિવસમાં આટલા મોટા પ્રમાણમાં વૃક્ષારોપણ કર્યું નહોતું.
આ રેકૉર્ડ કરવા માટે રાજસ્થાનના જંગલ ખાતાના પ્રધાન સંજય શર્માએ પણ સમર્થન કર્યું હતું. એકસાથે પીપળાનાં વૃક્ષના આટલા રોપા મળી શકે એમ ન હોવાથી ડૉ. જૈન તેલંગણના રાજમુન્દ્રી ગયા હતા અને ત્યાંથી આ રોપા મેળવ્યા હતા. પર્યાવરણને બચાવવાના ઉદેશ્ય સાથે તેમણે આ કામ કર્યું હતું. હિન્દુ સંસ્કૃતિમાં પીપળાને પવિત્ર વૃક્ષ માનવામાં આવે છે અને એ દિવસે અને રાતે ઑક્સિજન આપે છે. એ માણસો, પશુ અને પક્ષીઓ માટે પણ ઉપયોગી છે. આ વૃક્ષના આયુર્વેદિક ઉપયોગ પણ ઘણા છે.