18 May, 2025 03:39 PM IST | Jaipur | Gujarati Mid-day Correspondent
દુલ્હા-દુલ્હને છોડની સાક્ષીએ સાત ફેરા લીધા
રાજસ્થાનના કેમાખેડી નામના ગામમાં એક અનોખાં લગ્ન થયાં. અહીં દુલ્હા-દુલ્હને અગ્નિને સાક્ષી માનીને નહીં પરંતુ છોડની સાક્ષીએ સાત ફેરા લીધા. આ નવી રીતે થયેલાં લગ્ન ચર્ચાનો વિષય બની ગયાં છે.
આ વિવાહ ધરાડી પ્રથા અંતર્ગત થયા હતા જેમાં વર-વધૂ અગ્નિકુંડને બદલે લીમડા અને વડના છોડની ફરતે સાત ફેરા લે છે. જોહર જાગૃતિ મંચ દ્વારા આ પ્રકારના વિવાહ કરવાનું આદિવાસી મિશન હાથ ધરાયું છે. એમાં લગ્ન કોઈ પણ આધુનિક તામઝામ વિના પારંપરિક રીતે, સાયન્ટિફિક વિચારધારા સાથે અને પર્યાવરણના સંરક્ષણના સિદ્ધાંતને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે.
ધરાડી પ્રથા મુજબ થયેલાં લગ્નમાં ન કોઈ પંડિત હાજર રહ્યા હતા, ન કોઈ મંત્રોચ્ચારણ થયાં અને કોઈ અગ્નિ પણ પ્રગટાવવામાં નહોતો આવ્યો. કોઈ પણ પ્રકારના અંધવિશ્વાસ અને કાલ્પનિક માન્યતાથી દૂર રહીને કરવામાં આવેલાં આ લગ્નમાં દુલ્હા-દુલ્હનને સ્વજનોએ છોડ જ ભેટમાં આપ્યા હતા. પ્રકૃતિ સંરક્ષણને પ્રોત્સાહન આપવા માટેનાં આ લગ્નની પરંપરામાં કબીલાના પંચના સભ્યો હાજર રહે છે. ધરાડી પ્રથામાં ધરાડી શબ્દ બે શબ્દોને જોડીને બન્યો છે. ધ એટલે ધરા અને રાડી એટલે રખેવાળી કરનારું. ધરતી અને પર્યાવરણની સુરક્ષાના ઉદ્દેશથી આવાં હટકે રીતે લગ્નો થાય છે.