21 December, 2025 12:48 PM IST | Chhattisgarh | Gujarati Mid-day Correspondent
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
છત્તીસગઢની રાજધાની રાયપુરમાં એક યુવક પ્લાસ્ટિકમાં પૅક કરેલા મચ્છરો લઈને ફરિયાદ કરવા માટે નગરનિગમ કાર્યાલયમાં પહોંચ્યો હતો. તેમના વૉર્ડમાં મચ્છરોનો ત્રાસ ખૂબ વધી રહ્યો હતો અને નગરનિગમ તરફથી જોઈતાં જરૂરી પગલાં નહોતાં લેવાઈ રહ્યાં. ફરિયાદ કરીને કંટાળેલા દાઉલાલ પટેલ નામના યુવકને ડર હતો કે તેને કરડનારા મચ્છરો કદાચ ડેન્ગીનો ચેપ ફેલાવનારા હશે. નવાઈની વાત એ છે કે મચ્છર કરડ્યા એટલે તે સીધો ડૉક્ટર પાસે પહોંચ્યો અને પૂછ્યું કે મને ડેન્ગી તો નથી થઈ ગયોને? ડૉક્ટરે પણ હળવાશમાં કહ્યું કે એ તો મચ્છર જોઈને ખબર પડે. આ વાત સાચી માનીને દાઉભાઈ પટેલે નક્કી કર્યું કે હવે મચ્છર કરડે તો એને પકડી જ લેવા. મરેલા મચ્છરને પ્લાસ્ટિકની કોથળીમાં ભરીને પટેલભાઈએ નગરપાલિકામાં ફરિયાદ કરી અને સાથે પૂછ્યું, ‘આ મચ્છર ડેન્ગી ફેલાવે એવા છે કે નહીં એ કહો.’ નગરનિગમના અધિકારીઓએ પણ લૅબોરેટરીમાં એ મચ્છર મોકલાવીને તપાસ કરાવી અને રિપોર્ટ આપ્યો કે ‘આ મચ્છરો ડેન્ગી ફેલાવે એવા નથી.’