રિયલ મિલેટ ક્વીન : ૩૦ પ્રકારનાં વીસરાઈ રહેલાં મિલેટ્સનું સંવર્ધન કરે છે ઓડિશાની આ મહિલા

23 December, 2023 11:30 AM IST  |  Bhubaneshwar | Gujarati Mid-day Correspondent

તે તેના કામને કારણે આ વર્ષે નવી દિલ્હીમાં આયોજિત G20 સમિટમાં ભાગ લેવા આવી હતી

રાયમતી ઘુરિયા

તમને જાણીને નવાઈ લાગશે, પણ દેશના ગ્રામીણ વિસ્તારમાં રહેતી આદિવાસી સમાજની એક સામાન્ય મહિલા ખેડૂત જે અભણ છે અને ક્યારેય પોતાના ગામની બહાર નથી ગઈ તે તેના કામને કારણે આ વર્ષે નવી દિલ્હીમાં આયોજિત G20 સમિટમાં ભાગ લેવા આવી હતી.

ઓડિશામાં રહેતી રાયમતી ઘુરિયાએ ઓડિશા બાજરા મિશન દ્વારા શરૂ કરવામાં આવેલી સરળ ટેક્નિક અને વૈજ્ઞાનિક ખેતીની પદ્ધતિના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો, પરિણામે તે રહેતી હતી એ જિલ્લામાં બાજરીની ખેતીની ઊપજ અને ક્વૉલિટીમાં નોંધપાત્ર સુધારો થયો હતો. જિલ્લાના કુન્દ્રા બ્લૉક હેઠળના નુઆગુડા ગામની રહેવાસી રાયમતી હવે પરંપરાગત ચોખા અને બાજરીની જાતો સહિતના પરંપરાગત પાકને પુનર્જીવિત કરવામાં સક્રિય ભાગીદારી માટે તેના સમુદાયની મહિલાઓ માટે રોલ મૉડલ બની છે.

કૃષિ પ્રત્યેનું તેમનું સમર્પણ તેમને એક પ્રેરણામાં ફેરવે છે અને અત્યાર સુધી તેમણે ૨૫૦૦થી વધુ ખેડૂતોને બાજરાની તીવ્રતા, લાઇન ટ્રાન્સપ્લાન્ટિંગ, ઇન્ટરક્રૉપિંગ અને જૈવિક કિટ મૅનેજમેન્ટ વિશે ટ્રેઇનિંગ આપી છે.

એક સંરક્ષણ ખેડૂત તરીકે રાયમતીએ દેશી ચોખાની ૭૨થી વધુ પરંપરાગત જાતો અને બાજરીની ૩૦ જાતોને સાચવી રાખી છે. કૃષિમાં તેમના અસાધારણ યોગદાનને કારણે તેમને ઘણા અવૉર્ડ પ્રાપ્ત થયા છે. તેમને ૨૦૧૨માં જીનોમ સેવિયર કમ્યુનિટી વૉર્ડ, ૨૦૧૫માં જમશેદજી તાતા નૅશનલ વર્ચ્યુઅલ ઍકૅડેમી ફેલોશિપ અવૉર્ડ ઉપરાંત ૨૦૧૫, ૨૦૧૭ અને ૨૦૧૮માં તાતા સ્ટીલ દ્વારા શ્રેષ્ઠ ખેડૂત પુરસ્કાર સહિત અનેક અવૉર્ડ મળ્યા છે.

હાલમાં તેઓ બાજરીના પ્રચાર પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. આ ઉપરાંત તેઓ મહિલા ખેડૂતોને ટફ વર્ક ઘટાડવામાં ઉપયોગી ઉપકરણો પૂરાં પાડવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યાં છે. રાયમતી એક પ્રગતિશીલ ખેડૂત હોવા ઉપરાંત દરેક કામ કરતી મહિલા માટે પણ એક ઉદાહરણ છે.

odisha offbeat news national news