લગ્ન પછી વિદાય વખતે દુલ્હન થાર ડ્રાઇવ કરીને દુલ્હા સાથે સાસરે પહોંચી

11 December, 2025 01:10 PM IST  |  Punjab | Gujarati Mid-day Correspondent

સાસરે પહોંચીને દુલ્હન એ જ ભારે લેહંગા સાથે ઊતરીને ગૃહપ્રવેશની વિધિ કરે છે. આ વિડિયો સોશ્યલ મીડિયા પર જબરો વાઇરલ થયો છે.

વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ

કન્યાવિદાય વખતે દુલ્હો કઈ રીતે દુલ્હનને સાસરે લઈ જશે એ પણ હવે એક મહત્ત્વની સેરેમની બની ગઈ છે. જોકે પંજાબના લુધિયાણામાં ભવાની તલવાર વર્મા નામની દુલ્હને લગ્ન પછી સૌનું ધ્યાન ખેંચાય એવું કામ કર્યું. લગ્નનાં ભારેભરખમ કપડાં અને જ્વેલરી સાથે દુલ્હન હંમેશાં શરમાઈને કારમાં બાજુમાં જ બેસે એ માન્યતા ભવાનીએ તોડી નાખી. વિદાય પછી ભવાની સીધી પતિની થાર કારની ડ્રાઇવર સીટ પર જઈને બેસી ગઈ અને પતિને કહ્યું, ‘બેસી જાઓ, ઘરે નથી જવું?’ દુલ્હો પણ હસતાં-હસતાં ડ્રાઇવરની બાજુની સીટ પર બેસી જાય છે. રસ્તામાં દુલ્હો દુલ્હનની ડ્રાઇવિંગ સ્કિલ જોઈને હાથ જોડીને મજાક કરતાં કહે છે, ‘રામ રામ... આપણે ઘરે પહોંચવાનું છે.’ સાસરે પહોંચીને દુલ્હન એ જ ભારે લેહંગા સાથે ઊતરીને ગૃહપ્રવેશની વિધિ કરે છે. આ વિડિયો સોશ્યલ મીડિયા પર જબરો વાઇરલ થયો છે.

offbeat news punjab ludhiana national news india