બરફમાં ઢબુરાઈ ગયેલી આ કાર કોઈ રોડ પર લઈને નીકળે તો પોલીસ પકડે જ ને?

14 February, 2021 09:35 AM IST  |  Scotland | Gujarati Mid-day Correspondent

બરફમાં ઢબુરાઈ ગયેલી આ કાર કોઈ રોડ પર લઈને નીકળે તો પોલીસ પકડે જ ને?

કાર ચલાવતાં પહેલાં તેની દૃશ્યતા વધારવા આગળ તેમ જ પાછળના કાચની સફાઈ મહત્ત્વની હોય છે, એમાં પણ જો વાતાવરણમાં ધુમ્મસ છવાયું હોય કે પછી બરફના વરસાદને લીધે દૃશ્યતા લગભગ શૂન્ય થઈ ગઈ હોય ત્યારે તો કાચ સાફ કરવા અત્યંત આવશ્યક છે. જોકે સ્કોટલૅન્ડના એક ઇન્ડસ્ટ્રિયલ સેક્ટરમાં પોલીસોએ બરફથી ઢંકાયેલી કાર ચલાવીને જઈ રહેલ એક વ્યક્તિને અટકાવી જોખમી ડ્રાઇવિંગ બદલ પકડી હતી. કારની આગળ અને પાછળની વિન્ડસ્ક્રીન પૂર્ણપણે બરફથી ઢંકાયેલી હોવાથી દૃશ્યતા લગભગ શૂન્ય હતી. આ કાર ડ્રાઇવરે આગળની વિન્ડસ્ક્રીનનો એક નાનો શો હિસ્સો સાફ કર્યો હતો. 

સદ્ભાગ્યે કોઈને ઈજા પહોંચી નહોતી. જોકે સ્કોટલૅન્ડ પોલીસનું કહેવું છે કે આવી બરફથી ઢંકાયેલી કાર કોઈ ચલાવવાની કોશિશ કરે એ વાત જ ખૂબ અસામાન્ય લાગે છે. બરફના વરસાદમાં કારની વિન્ડસ્ક્રીન સાફ કરવી અગવડભર્યું કામ છે પરંતુ તે આવશ્યક પણ છે, પોલીસે કહ્યું હતું કે આમ ન કરીને તે વ્યક્તિએ પોતાની સાથે અન્યોના જીવ પણ જોખમમાં મૂક્યા હતા. સોશ્યલ મીડિયા પર બરફથી ઢંકાયેલી કારના ફોટો વાઇરલ થતાં નેટિઝન્સે કારચાલક પર ટોણા અને શિખામણોનો વરસાદ કર્યો હતો.

offbeat news international news scotland