કેરળના એક ગામના લોકો સોશ્યલ ડિસ્ટન્સિંગ માટે છત્રીનો ઉપયોગ કરે છે

08 May, 2020 09:10 AM IST  |  Mumbai Desk | Mumbai Correspondent

કેરળના એક ગામના લોકો સોશ્યલ ડિસ્ટન્સિંગ માટે છત્રીનો ઉપયોગ કરે છે

કેરળમાં સોશિયલ ડિસ્ટેન્સિંગ માટે છત્રીનો ઉપયોગ

કેરળના અલાપુળા જિલ્લાના તનીરમુક્કમ ગામમાં લોકો કોરોના-ઇન્ફેક્શનથી બચવા માટે છત્રીનો ઉપયોગ કરે છે. રોગચાળાની શરૂઆતમાં એ વિસ્તાર હૉટસ્પૉટ ગણાતો હતો. કેરળમાં અલાપુળા જિલ્લો ‘અમ્બ્રેલા કૅપિટલ’ તરીકે ઓળખાય છે. એ જિલ્લો ખાસ કરીને ‘પોપી’ નામે ઓળખાતી મોટા કદની છત્રી માટે જાણીતો છે. કેરળના છત્રીબજારમાં અલાપુળાનો ૮૦ ટકા હિસ્સો હોવાનું કહેવાય છે. તનીરમુક્કમ ગામમાંહ વે સૂત્ર અપાયું છે, ‘વરસાદ હોય, તડકો હોય કે રોગચાળો હોય, છત્રી ખોલીને ફરો.’ ગ્રામપંચાયતના પ્રમુખનું કહેવું છે કે બે માણસો છત્રી ખોલીને ઊભા રહે તો આપોઆપ ઓછામાં ઓછું એક મીટરનું અંતર તો રહે જ છે. કેરળના નાણાપ્રધાન ટી. એમ. થૉમસ ઇસ્સાકે બાવીસમી એપ્રિલે તનીરમુક્કમ ગ્રામપંચાયતની મુલાકાત લીધી ત્યારે તેમણે કોરોના કડી તોડવા માટે છત્રીઓના પ્રદેશમાં છત્રીઓ વડે સોશ્યલ ડિસ્ટન્સિંગનો આઇડિયા જણાવ્યો અને લોકોએ એ વિચાર અપનાવી લીધો હતો. તનીકમુક્કમમાં ૧૫,૦૦૦ જેટલાં ઘર અને ૫૦,૦૦૦ જેટલી વસ્તી છે. ગામમાં ગરીબ પરિવાર ઘણા છે. તેમને છત્રીઓ ખરીદવામાં મુશ્કેલી ન પડે એ માટે ગ્રામપંચાયતે સરકાર પાસેથી સબસિડી માગી અને સેલ્ફ હેલ્પ ગ્રુપ્સના સભ્યોને માસિક હપ્તે છત્રી આપવાનું નક્કી કરવામાં આવ્યું. ગામમાં રાજ્ય સરકારની સબસિડી સાથે વેચાતી છત્રીઓ ૨૦, ૫૦ કે ૭૦ રૂપિયામાં વેચાય છે. હપ્તા પર છત્રી લેનારાઓ ૧૫૦ રૂપિયાની છત્રીની કિંમત દર મહિને ૧૦ રૂપિયાનો હપ્તો ૧૫ મહિના સુધી ચૂકવે છે.

kerala national news offbeat news