વેઇટ્રસને આપી અધધધ ૨.૩ લાખ રૂપિયાની ટિપ, ગ્રાહક પર કેસ કરવા માગે છે રેસ્ટોરાં

20 September, 2022 11:12 AM IST  |  Harrisburg | Gujarati Mid-day Correspondent

સામાન્યપણે બિલની રકમના ૧૫થી ૨૦ ટકા રકમ ટિપમાં આપવામાં આવતી હોય છે.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

અમેરિકાના પેન્સિલ્વેનિયા રાજ્યના સ્ક્રેન્ટન શહેરની એક રેસ્ટોરાં વેઇટ્રેસને ૩૦૦૦ ડૉલર (૨.૩ લાખ રૂપિયા)ની ટિપ આપવા બદલ ગ્રાહક પર કેસ કરવા માગે છે. વેઇટ્રેસ મારિયાના લેમ્બર્ટે ગ્રાહકને સર્વ કરેલા ૧૩ ડૉલર (૧૦૩૬ રૂપિયા)ના બિલમાં હજારો ડૉલરની ટિપ જોઈને ચોંકી ગઈ હતી. જોકે તેને ઉદાર હાથે મળેલી આ ટિપની રકમ ગણતરીની મિનિટમાં અલ્ફ્રેડો કૅફેના સ્ટાફમાં મતભેદનું કારણ બની ગઈ હતી.

સામાન્ય રીતે રેસ્ટોરાંમાં વેઇટર્સને મળતી ટિપ એ તેમના કામ કે તેમની સેવા માટે મળેલો પુરસ્કાર છે. લગભગ પ્રત્યેક હોટેલમાં વેઇટર્સને ટિપ મળતી જ હોય છે અને ગ્રાહકે કેટલી ટિપ આપવી એના વિશે પણ કોઈ નિયમ નથી, પરંતુ અનેક વાર સ્ટાફના કોઈ એકને મળેલી ટિપ અન્ય સ્ટાફર્સમાં ચર્ચાનું કારણ બની જાય છે. 

કોવિડ મહામારી બાદ ફરી ધમધમતા થયેલા રેસ્ટોરાં ઉદ્યોગમાં વેઇટર્સ કે વેઇટ્રેસને મળેલી મોટી રકમની ટિપની ઘણી વાતો બહાર આવી હતી. સામાન્યપણે બિલની રકમના ૧૫થી ૨૦ ટકા રકમ ટિપમાં આપવામાં આવતી હોય છે. જોકે અમેરિકાની આ વેઇટ્રેસને ૧૩ ડૉલરની બિલની રકમ સામે ૩૦૦૦ ડૉલરની ટિપ મળી હતી. 

સો​શ્યલ મીડિયા પર આ વિષય પરની ઉગ્ર દલીલ બાદ રેસ્ટોરાંએ ગ્રાહક પર કેસ કરવાનો નિર્ણય લીધો હોવાનું કહેવાય છે. પ્રાપ્ત માહિતી મુજબ ગ્રાહકે માત્ર સ્ટ્રોમ્બોલી ખાઈને આટલી મોટી રકમની ટિપ આપતાં આલ્ફ્રેડોના મૅનેજમેન્ટને ગ્રાહક પર શંકા ગઈ હતી. જોકે ગ્રાહકનું કહેવું છે કે તેણે ‘ટિપ્સ ફૉર જીઝસ’ નામની સોશ્યલ મીડિયા ચળવળના ભાગરૂપે ટિપ આપી હતી. 

offbeat news international news pennsylvania united states of america