પૅરિસમાં લૉકડાઉન દરમ્યાન પાડોશીઓ બાલ્કનીમાં ઊભા રહીને ક્વિઝ રમે છે

11 April, 2020 09:54 AM IST  |  Mumbai Desk

પૅરિસમાં લૉકડાઉન દરમ્યાન પાડોશીઓ બાલ્કનીમાં ઊભા રહીને ક્વિઝ રમે છે

આખો દિવસ ઘરમાં બેસીને કંટાળવા કરતાં કંઈક અવનવું અને આનંદ આપે એવું કરવું હોય તો અનેક રસ્તા છે. માત્ર ગાના-બજાના ઉપરાંત મગજની કસોટી થાય એવું પણ થઈ શકે છે. પૅરિસની એક ગલીમાં લોકો પોતપોતાના અપાર્ટમેન્ટની ગૅલરી અને બારીમાં ઊભા રહીને ક્વિઝ કૉન્ટેસ્ટ રમી રહ્યા છે. એક અપાર્ટમેન્ટની ગૅલરીમાંથી પ્રશ્ન પૂછવામાં આવે છે જેનો જવાબ અન્ય અપાર્ટમેન્ટની ગૅલરી કે બારીમાંથી અપાય છે.
જોતજોતામાં લૉકડાઉન દરમ્યાન કંટાળો દૂર કરવા માટેની આ રમત પૅરિસની ગલીઓમાં ફેમસ થઈ ગઈ છે. આ રમત રમાડનારા અભિનેતા અને કૉમેડિયન કાર્ટોઝોએ તેના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર રમતનો વિડિયો શૅર કર્યો છે, જેને ૧૧ લાખ વ્યુ મળ્યા છે.
કાર્ટેઝોએ જણાવ્યા મુજબ લૉકડાઉન દરમ્યાન લોકોમાં વ્યાપેલો કંટાળો દૂર કરવા મેં કાંઈક નવું કરવાનું વિચાર્યું હતું. રોજ રાતે ૮ વાગ્યે સફાઈ-કર્મચારીઓને પ્રોત્સાહિત કરવા બાલ્કનીમાં આવતા લોકોને શરૂઆતમાં રસ્તા પર સંગીત વગાડીને બાલ્કનીમાં વધુ સમય રોકવાની શરૂઆત કરી, પણ એ વખતે માત્ર પોતે જ આનંદિત થતો હોવાનું નોંધ્યા પછી તેણે લોકોને શ્રેણીબદ્ધ પ્રશ્નો પૂછવાની શરૂઆત કરી અને રમત જામી ગઈ. ક્વિઝની આ રમતમાં એકી સંખ્યામાં ઘરના નંબર ધરાવતા લોકો એક ટીમમાં અને બેકી સંખ્યામાં ઘરના નંબર ધરાવતા લોકોને બીજી ટીમમાં એમ વહેંચવામાં આવ્યા હતા અને ઇનામમાં ટૉઇલેટ પેપર અને પાસ્તા રાખવામાં આવ્યાં હતાં. બધાનું મન બહેલાવવાના આ મગજ કસતા વિકલ્પની સોશ્યલ મીડિયામાં પણ ઘણી વાહવાહી થઈ છે.

international news offbeat news coronavirus covid19 paris