12 June, 2024 02:24 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
૫૦૦ વર્ષ જૂની એક સંતની બ્રૉન્ઝની મૂર્તિ
તામિલનાડુના મંદિરમાંથી ચોરાયેલી ૫૦૦ વર્ષ જૂની એક સંતની બ્રૉન્ઝની મૂર્તિ યુનાઇટેડ કિંગડમની પ્રતિષ્ઠિત ઑક્સફર્ડ યુનિવર્સિટીએ પાછી આપવાનું સ્વીકાર્યું છે. સંત તિરુમન્કાઈ અલ્વરની ૧૬મી સદીની આ મૂર્તિ એશ્મોલન મ્યુઝિયમમાં રાખવામાં આવી હતી.
૬૦ સેન્ટિમીટરની આ મૂર્તિ ૧૯૬૭માં એક હરાજીમાં ઑક્સફર્ડ યુનિવર્સિટીએ ખરીદી હતી. આ મૂર્તિ ડૉ જે. આર. બેલમૉન્ટ (૧૮૮૬-૧૯૮૧)ના કલેક્શનમાં હતી. એક રિસર્ચરે આ પ્રાચીન મૂર્તિ હોવાનું ગયા વરસે નવેમ્બરમાં જણાવ્યા બાદ ભારતીય દૂતાવાસને જાણ કરવામાં આવી હતી. ભારત સરકારે આ બ્રૉન્ઝની મૂર્તિ પાછી મેળવવા માટે વિનંતી કરી હતી અને જણાવ્યું હતું કે એ તામિલનાડુના મંદિરમાંથી ચોરી થઈ હતી.