૨૦ વર્ષથી હાથ ઊંચો રાખવાનો દાવો કરતા મહાકુંભવાળા બાબાએ લક્ઝરી કાર ખરીદી

06 May, 2025 02:32 PM IST  |  Prayagraj | Gujarati Mid-day Correspondent

જોકે સોશ્યલ મીડિયા પર લોકોને ચિંતા થવા માંડી છે કે એક હાથ ઊંચો રાખનારા આ બાબા ગિયર કયા હાથે બદલશે?

હાથ ઊંચો રાખવાનો દાવો કરનારા બાબા

પ્રયાગરાજમાં ૪૫ દિવસનો જે મહાકુંભ ભરાયો હતો એમાં અનેક લોકોની જિંદગી બદલાઈ ગઈ છે. સંગમતટ પર નાના-મોટા વેપાર કરનારા લોકો દોઢ મહિનામાં કરોડપતિ થઈ ગયા છે તો અહીં સાધના માટે આવનારા બાબાઓને પણ બખ્ખાં થઈ ગયાં છે. તમને યાદ છે પેલા ૨૦ વર્ષથી એક હાથ ઊંચો રાખવાનો દાવો કરનારા બાબા? આ બાબાનો સોશ્યલ મીડિયામાં એક વિડિયો ફરી રહ્યો છે. તેઓ એક હાથ ઊંચો રાખીને ભગવા રંગની પોતડીમાં કારના શો-રૂમમાં જતા જોવા મળે છે. એ પછી બાબા એક લક્ઝરી સ્પોર્ટ્સ યુટિલિટી વેહિકલ (SUV) કાર પરથી લાલ પડદો ઉઠાવે છે અને પછી ડ્રાઇવિંગ સીટવાળો દરવાજો ખોલીને એમાં બેસીને કાર ડ્રાઇવ કરીને શોરૂમમાંથી નીકળી જાય છે. આ વિડિયોમાં દાવો થઈ રહ્યો છે કે બાબાએ મહાકુંભમાં કમાણી કરીને લક્ઝરી કાર ખરીદી છે. અલબત્ત, આ વિડિયોમાં દેખાતો શોરૂમ ક્યાં છે અને ખરેખર તેમણે કોઈ કાર ખરીદી છે કે નહીં એની સચ્ચાઈ પુરવાર થઈ નથી. જોકે સોશ્યલ મીડિયા પર લોકોને ચિંતા થવા માંડી છે કે એક હાથ ઊંચો રાખનારા આ બાબા ગિયર કયા હાથે બદલશે?

offbeat news uttarakhand prayagraj india