ઓમાઇક્રોને આ મહિલાને ભુખ્ખડ બનાવી દીધી

17 January, 2022 08:26 AM IST  |  Melbourne | Gujarati Mid-day Correspondent

ટિકટૉક પરની તેની આ સ્ટોરીને ૬૦,૦૦૦ કરતાં વધુ વ્યુઝ મળ્યા છે

ઍલેક્ઝાન્ડ્રા ડફીન

ઑસ્ટ્રેલિયાના મેલબર્નની ઇન્ફ્લુઅન્સર ઍલેક્ઝાન્ડ્રા ડફીન નામની એક મહિલા બીજી અને ત્રીજી એમ બન્ને લહેરમાં કોરોના-સંક્રમિત થઈ હતી, પણ બન્ને વખત તેનામાં મોટો ફરક જોવા મળ્યો હતો. તેના જણાવ્યા અનુસાર પહેલી વખત તેને જ્યારે કોવિડ થયો હતો ત્યારે તેની ભૂખ મરી ગઈ હતી અને તેને ખાવાનું બિલકુલ મન થતું નહોતું, પરંતુ બીજી વાર થયેલા કોરોના જે ચોક્કસપણે ઓમાઇક્રોન હતો એમાં તેની ભૂખ ઊઘડી હતી, તેને સતત ખાતા રહેવાનું મન થાય છે. 
ઍલેક્ઝાન્ડ્રા ડફીન જણાવે છે કે ‘મને ગયા વર્ષે ઑક્ટોબરમાં કોવિડના ડેલ્ટા વેરિઅન્ટનું સંક્રમણ થયું હતું. એ વખતે મેં રસી લીધી નહોતી અને મને હૉસ્પિટલમાં દાખલ થવાની ફરજ પડી હતી, પરંતુ ત્રીજી જાન્યુઆરીએ વૅક્સિન લીધા બાદ થયેલા સંક્રમણમાં મારી સ્થિતિ એકદમ વિપરીત હતી. આ વખતે મને ઓમાઇક્રોનનું સંક્રમણ થયું હોવું જોઈએ એવું મારું માનવું છે.’ 
બન્ને વારના સંક્રમણમાં તેની ખાવાની આદતોમાં થયેલા ધરમૂળના ફેરફાર વિશે તેણે ટિકટૉકના તેના ૭૩,૦૦૦ ફૉલોઅર્સને કહ્યું હતું કે કોરોનાના પહેલા સંક્રમણ વખત કરતાં બીજી વારના સંક્રમણમાં મને એકદમ અલગ અનુભવ થઈ રહ્યો છે. પહેલી વારના સંક્રમણમાં તેની ભૂખ મરી ગઈ હોવાનું જણાવતાં ઍલેક્ઝાન્ડ્રાએ કહ્યું હતું કે ‘મને ખાવાની ઇચ્છા જ થતી નહોતી, જેને લીધે મારું વજન પણ ઊતર્યું હતું, પણ હાલમાં થયેલા સંક્રમણમાં મને વારંવાર ખાવાની ઇચ્છા થાય છે. હું ખોરાક પ્રત્યેનો મારો મોહ ઓછો કરી નહોતી શકતી. મને ભય છે કે મારી આ આદતને કારણે મારું વજન વધી જશે.’ 
ટિકટૉક પરની તેની આ સ્ટોરીને ૬૦,૦૦૦ કરતાં વધુ વ્યુઝ મળ્યા છે. તેના ઘણા ફૉલોઅર્સે સમર્થન આપતાં કહ્યું કે અમે પણ ઓમાઇક્રોનના સંક્રમણમાં કાંઈક આવો જ અનુભવ કર્યો છે. અમારો પણ ભોજન પ્રત્યેનો લગાવ વધી ગયો છે.

offbeat news international news