✕

૨૧ લાખ ફૉલોઅર્સ ધરાવતા ભાઈ સરપંચની ચૂંટણીમાં ઊભા રહ્યા તો મળ્યા માત્ર ૩૩ વોટ

28 October, 2026 05:43 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રાજસ્થાનના જોધપુર જિલ્લાન ઢાણી ગામમાં રહેતા ઓમ પ્રકાશને ગ્રામ પંચાયતની ચૂંટણીમાં અસલિયતનો જબરદસ્ત પરચો મળ્યો હતો.

ઓમ પ્રકાશ

ડિજિટલ વર્લ્ડમાં લાખો ફૉલોઅર્સ હોવાથી ભલે તમે જાતને ખેરખાં માનતા હો, અસલી જિંદગીમાં તમારી આસપાસના લોકો તમારી કેટલી વૅલ્યુ કરે છે એનો વાસ્તવિક અંદાજ દરેક વ્યક્તિએ રાખવો જ જોઈએ. રાજસ્થાનના જોધપુર જિલ્લાન ઢાણી ગામમાં રહેતા ઓમ પ્રકાશને ગ્રામ પંચાયતની ચૂંટણીમાં અસલિયતનો જબરદસ્ત પરચો મળ્યો હતો. ઓમ પ્રકાશ બિશ્નોઈ સરપંચની ચૂંટણીમાં ઊભા રહ્યા હતા. તેઓ સોશ્યલ મીડિયા ઇન્ફ્લુઅન્સર છે અને તેમના ૨૧ લાખ ફૉલોઅર્સ છે. જોકે લાખો લોકોમાં લોકપ્રિય એવા ઓમ પ્રકાશને સરપંચની ચૂંટણીમાં માત્ર ૩૩ વોટ જ મળ્યા હતા. નવાઈની વાત એ છે કે તેમના પોતાના પરિવારમાં કુલ ૧૧ મતદાતાઓ છે. તેમણે પોતાના ગામમાં શિક્ષણ, ગૌસેવા અને પાયાની સુવિધાઓને બહેતર બનાવવાના મુદ્દાઓ પર પ્રચાર કર્યો હતો. ઓમ પ્રકાશનું કહેવું છે કે જ્યારે હું ગામમાં લોકોને મળતો હતો ત્યારે તેમણે મને જ વોટ આપવાનો ભરોસો પણ આપ્યો હતો, એમ છતાં માત્ર ૩૩ જ વોટ મળ્યા એ ખૂબ જ ચોંકાવનારું છે.

rajasthan social media national news jaipur panchayat