કચરામાં પડેલો સોફા બની ગયો સેલ્ફી પૉઇન્ટ

04 May, 2025 09:53 AM IST  |  London | Gujarati Mid-day Correspondent

ગામના જ ઍલેક્સ ઍલ્ટન વૉલ નામના એક ફોટોગાફરે એ જોયું. તેને થયું કે કોઈ ગાર્બેજમાં આ રીતે ઘરની ચીજો ફેંકી જાય તો-તો ગંદવાડો થાય.

કચરામાં પડેલો સોફા બની ગયો સેલ્ફી પૉઇન્ટ

ઇંગ્લૅન્ડના લિડબ્રૂક ગામમાં એપ્રિલ મહિનાની શરૂઆતમાં કોઈ બે સીટવાળો જૂનોપુરાણો સોફા કચરાના ઢેર પર ફેંકીને જતું રહ્યું હતું. ગામના જ ઍલેક્સ ઍલ્ટન વૉલ નામના એક ફોટોગાફરે એ જોયું. તેને થયું કે કોઈ ગાર્બેજમાં આ રીતે ઘરની ચીજો ફેંકી જાય તો-તો ગંદવાડો થાય. વળી સોફા ખરાબ હતો, પરંતુ એટલો ખરાબ પણ નહોતો કે સાવ કચરામાં જાય. એટલે તેણે સોફાને સાફ કરીને ગામમાં એક જગ્યાએ ગોઠવ્યો અને લોકોને અપીલ કરી કે આ સોફા સાથે સેલ્ફી લો. તેણે ત્યાંથી પસાર થતા લોકોને રોકીને આ સોફા સાથે ક્રીએટિવ ફોટો લેવા માટે અપીલ કરી. લોકો, ડૉગીઝ, મરઘી, ઘોડા, કાચબા જેવાં પ્રાણીઓ સાથે તસવીરો લઈને તેણે સોશ્યલ મીડિયામાં શૅર કરી. બસ, પછી તો પાછું વળીને જોવા જેવું જ ન રહ્યું. લોકો કચરામાંથી જ વીણેલી બીજી કેટલીક ચીજોને સોફાની બાજુમાં ગોઠવીને ફોટો લેવા માંડ્યા. આ ટ્રેન્ડ એટલો ફેલાયો કે સોશ્યલ મીડિયા પર આ સોફાનું ફૅનપેજ બની ગયું. લિડબ્રૂક લાઉન્જ નામના ફેસબુક પેજ પર લોકોએ પોતાની તસવીરો પોસ્ટ કરવાની શરૂ કરી દીધી છે. એક મહિનામાં ૧૫૦થી વધુ તસવીરો પોસ્ટ થઈ અને ટ્રિપ ઍડવાઇઝરે પણ આ જગ્યાની નોંધ લીધી. સ્થાનિક વેપારીઓથી લઈને ફુટબૉલ ટીમ પણ અહીં ફોટો પડાવી ગઈ. સોફાને વધુ સજાવવા માટે કોઈક એની સાથે સાઇડ ટેબલ, ફ્લાવર પૉટ, લૅમ્પ શેડ, કૉફી ટેબલ અને મૅગેઝિનની રૅક જેવી ચીજો પણ સજાવી ગયા છે.

જોકે ગામલોકોને ચિંતા છે કે આ સોફાની ભવ્યતા બહુ લાંબી નહીં ટકે, કેમ કે વરસાદ આવશે એટલે સોફા ખરાબ થઈ જશે.

england international news news world news offbeat news viral videos social media