આ સ્કૂલમાં પટાવાળો ભણાવે છે સંસ્કૃત, સફાઈ બાદ લે છે ક્લાસ

25 September, 2019 04:42 PM IST  |  ભોપાલ

આ સ્કૂલમાં પટાવાળો ભણાવે છે સંસ્કૃત, સફાઈ બાદ લે છે ક્લાસ

નામ છે વાસુદેવ પાંચાલ, પદ છે સરકારી સ્કૂલમાં પટાવાળાનું. કામ છે સ્કૂલમાં કચરા-પોતા કરવાનું અને બાળકોને સંસ્કૃત ભણાવવાનું. સાંભળવામાં થોડું વિચિત્ર લાગે છે, પરંતુ વાત સો ટકા સાચી છે. વાસુદેવ છેલ્લા 23 વર્ષથી સ્કૂલમાં સંસ્કૃત ભણાવવાની વધારાની જવાબદારી નિભાવે છે. ઈન્દોર જિલ્લા હેડઓફિસથી 80 કિલોમીટર દૂર, દેપાલપુર વિકાસખંડમાં આવેલું છે ગિરોતા નામનું ગામ. અહીની સરકારી હાઈસ્કૂલમાં વાસુદેવ પંચાલનું ખાસ સ્થાન છે.

તે માથા પર ચાંદલો કરીને, ચોટલી બાંધીને ફરતા દેખાય છે. વાસુદેવ રોજ પહેલા પાણી લાવે છે, પછી સ્કૂલમાં ઝાડુ લગાવે છે અને રૂમમાં તેમજ સ્કૂલના આંગણામાં પોતુ કરે છે. બાદમાં તે જુદા જુદા ક્લાસરૂમમાં જઈને બાળકોને સંસ્કૃત શીખવે છે. ગિરોતાની સરકારી સ્કૂલમાં છેલ્લા 23 વર્ષથી સંસ્કૃતના શિક્ષકની ભરતી નથી થઈ. હકીકતમાં તો આ ગામ જિલ્લા હેડ ઓફિસથી દૂર હોવાને કારણે કોઈ ટીચર અહીં આવવા નથઈ ઈચ્છતું. એટલે જ પોણા બસ્સો વિદ્યાર્થીઓને ભણાવવા માટે ત્રણ જ શિક્ષકો છે.

વાસુદેવ કહે છે કે સંસ્કૃતના કોઈ શિક્ષક ન હોવાને કારણે તેમને સંસ્કૃત ભણાવવાની વધારાની જવાબદારી મળી છે. તે સ્કૂલમાં પોતાના ભાગનું બધું જ કામ જેમ કે પાણી ભરવું, બેલ મારવો, કચરા પોતા કરવા સહિત બાળકોને સંસ્કૃત ભણાવવાની જવાબદારી 1996ના વર્ષથી નિભાવી રહ્યા છે. વાસુદેવ પોતે ગિરોતા ગામના જ વતની છે, અને પોતે આ જ સ્કૂલમાં ભણ્યા છે. તેમનું કહેવું છે કે તેમને સંસ્કૃત આવડે છે, એટલે તે બાળકોને ભણાવી રહ્યા છે.

આ પણ વાંચોઃ આ બહેન પોતાનાં સ્તનયુગ્મથી ચિત્રો દોરે છે

તો સ્કૂલના વિદ્યાર્થીઓનું કહેવું છે કે વાસુદેવ રસપ્રદ રીતે સંસ્કૃત ભણાવે છે. તેઓ બાળકોના બધા જ સવાલોનો જવાબ આપે છે. અને વિદ્યાર્થીઓને સંસ્કૃતના ટીચરની કમી મહેસૂસ નથી થતી. ગત વર્ષે આ સ્કૂલનું ધોરણ 10નું પરિણામ 100 ટકા રહ્યું છે.

સ્કૂલના આચાર્ય મહેશ નિંગવાલ પણ કહે છે કે વાસુદેવ રેગ્યુલર બાળકોને સંસ્કૃત ભણાવે છે. શિક્ષણ કાર્ય માટે મુખ્યમંત્રી ઉત્કૃષ્ટતા પુરસ્કાર માટે વાસુદેવના નામનો પ્રસ્તા પણ મોકલવામાં આવ્યો હતો, તેમના નામની પસંદગી પણ થઈ છે, ગત સપ્તાહે તેમને પ્રેઝન્ટેશન માટે ભોપાલ બોલાવાયા હતા.

offbeat news hatke news bhopal national news