વિશ્વમાં સૌથી વૃદ્ધ મનાતી 126 વર્ષની મહિલાનું તજિકિસ્તાનમાં મૃત્યુ

01 February, 2020 07:31 AM IST  |  Tajikistan

વિશ્વમાં સૌથી વૃદ્ધ મનાતી 126 વર્ષની મહિલાનું તજિકિસ્તાનમાં મૃત્યુ

126 વર્ષની મહિલા ફોતિમા મિર્ઝોકુલોવા

વિશ્વમાં સૌથી વૃદ્ધ મનાતી તજિકિસ્તાનની રહેવાસી ૧૨૬ વર્ષની મહિલા ફોતિમા મિર્ઝોકુલોવા ગયા અઠવાડિયે મૃત્યુ પામી હતી. ગયા શનિવારે એ મહિલાને એ દેશની ઉઝબેકિસ્તાન તરફની સરહદ પાસેના દખના પ્રાંતમાં દફનાવવામાં આવી હતી. પાસપોર્ટની વિગતો મુજબ ફોતિમાનો જન્મ ૧૮૯૩ની ૧૩ માર્ચે થયો હતો. તજિકિસ્તાન રશિયાના ઝાર રાજાઓના શાસન હેઠળ અને ત્યાર પછી સામ્યવાદી સોવિયેત સંઘના ભાગરૂપ હતું અને એ દિવસો ફોતિમાએ જોયા છે. ફોતિમાએ જીવનનો મોટો ભાગ સામ્યવાદી શાસનમાં સ્થપાયેલા સહકારી ધોરણે ચાલતાં કપાસનાં ખેતરોમાં કામ કરીને પસાર કર્યો છે.

૧૯૯૧માં તજિકિસ્તાનની આઝાદી વેળા ફોતિમાની શતાબ્દીમાં બે વર્ષ બાકી હતાં. ૮ સંતાનો અને તેમનાં સંતાનો મળીને પૌત્રો-પ્રપૌત્રો, દોહિત્રો અને પ્રદોહિત્રોની ઓછામાં ઓછી પાંચેક પેઢીઓ ફોતિમાએ જોઈ છે. સત્તાવાર રેકૉર્ડ મુજબ વિશ્વની સૌથી વૃદ્ધ મહિલા ફ્રાન્સની ઝ્‍યાં લુઈ કૅલમેન્ટ મનાય છે. એ મહિલા ૧૮૭૫ના ફેબ્રુઆરી મહિનામાં જન્મી હતી અને ૧૯૯૭ના ઑગસ્ટ મહિનામાં ૧૨૨ વર્ષની ઉંમરે તે મૃત્યુ પામી હતી. ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સની નોંધ મુજબ હાલમાં વિશ્વની સૌથી વૃદ્ધ મહિલા જપાનની ૧૧૭ વર્ષની કાને તનાકા છે.

offbeat news hatke news