વિશ્વનો સૌથી એકલવાયો એલિફન્ટ પાકિસ્તાનથી કમ્બોડિયા પહોંચ્યો

01 December, 2020 07:33 AM IST  |  Pakistan | Gujarati Mid-day Correspondent

વિશ્વનો સૌથી એકલવાયો એલિફન્ટ પાકિસ્તાનથી કમ્બોડિયા પહોંચ્યો

હાથી

પાકિસ્તાનના ઇસ્લામાબાદ ઝૂમાં લગભગ ૩૦ વર્ષથી એકલવાયું જીવન ગાળી રહેલા કાવન નામના એશિયાટિક હાથીને નવી જિંદગી મળી છે. કાવનભાઈને ખૂબ જહેમત ઉઠાવીને પાકિસ્તાનથી કમ્બોડિયા શિફ્ટ કરવામાં આવ્યો છે. પાકિસ્તાને આ કાવન હાથીને શ્રીલંકા પાસેથી ખરીદ્યો હતો. ઘણાં વર્ષો સુધી આ ઝૂમાં એ સાહેલી નામની હાથણી સાથે રહેતો હતો. જોકે ૨૦૧૨માં પગમાં ગૅન્ગરિન થવાની સાહેલી મૃત્યુ પામી. એ પછી સાવ એકલવાયા પડી ગયેલા કાવનની શારીરિક અને માનસિક સ્થિતિ કથળવા માંડી હતી. સતત સાંકળે બાંધી રાખવામાં આવતા આ હાથીને મુક્ત કરવાની માગણી અનેક પ્રાણીપ્રેમી સંસ્થાઓએ કરી હતી, પણ ઇસ્લામાબાદ ઝૂ દ્વારા કોઈક ને કોઈક બહાનું બતાવીને એ વાતને ટાળી દેવામાં આવતી. ઑસ્ટ્રિયાના વિયેનામાં આવેલી ફોર પોઝ ઇન્ટરનૅશનલ નામની સંસ્થાની પહેલથી ડૉક્ટરોની ટીમે પાકિસ્તાનમાં જ કાવનની સારવાર કરી અને ઇસ્લામાબાદમાં એની સારસંભાળ બરાબર રાખવામાં નહોતી આવતી એવો રિપોર્ટ આપ્યો. આ માટે સુપ્રીમ કોર્ટમાં પણ કાવનની મુક્તિ માટે ખટલો ચાલ્યો હતો. આખરે ફ્રી ધ વાઇલ્ડ નામની પ્રાણીઓના સંરક્ષણ માટે કામ કરતી સંસ્થા થકી આ હાથીને કમ્બોડિયામાં સ્થળાંતરિત કરવાની મંજૂરી મળી ગઈ હતી. થોડા દિવસ પહેલાં આ ઝૂમાં કાવનને ફેરવેલ પાર્ટી પણ આપવામાં આવેલી. હવે એ કમ્બોડિયાના ૨૫,૦૦૦ એકરમાં પથરાયેલા ઍનિમલ સૅન્ક્ચ્યુઅરીમાં રહેશે.

પાંચ ટનના આ હાથીને સ્થળાંતરિત કરવા માટે ખાસ ઍરકન્ટેનર તૈયાર કરવામાં આવ્યું હતું. આ કન્ટેનર કમ્બોડિયા પહોંચ્યું ત્યારે એનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

pakistan cambodia offbeat news hatke news