વૉલમાર્ટમાં મહિલાએ બાળકને જન્મ આપ્યો

24 March, 2020 09:00 AM IST  |  America | Gujarati Mid-day Correspondent

વૉલમાર્ટમાં મહિલાએ બાળકને જન્મ આપ્યો

પ્રતીકાત્મક તસવીર

જ્યારથી કોરોનાનો વાયરો વાયો છે ત્યારથી ટૉઇલેટ પેપરની ડિમાન્ડ અમેરિકામાં ખૂબ વધી ગઈ છે. ગયા બુધવારે અમેરિકાના મિસુરી સ્ટેટના સ્પ્રિન્ગફીલ્ડ શહેરની સનશાઇન સ્ટ્રીટમાં વૉલમાર્ટના એક સ્ટોરમાં એક પ્રેગ્નન્ટ મહિલાએ ટૉઇલેટ પેપરના વિભાગમાં ઊભી હતી ત્યારે અચાનક તેને પ્રસૂતિની પીડા ઊપડી હતી અને ત્યાં જ તેણે બાળકને જન્મ આપ્યો હતો. ભારતમાં જેમ ખેતરમાં કે સબર્બન ટ્રેનમાં ગર્ભવતી મહિલાઓને પ્રસૂતિ થવાની ઘટના ઘટે છે એવું જ કંઈક અમેરિકામાં બન્યું હતું. મહિલા ટૉઇલેટ પેપરના વિભાગમાં હતી ત્યારે અચાનક તેના શરીરમાંથી પાણીનો ધોધ વછૂટ્યો અને સ્ટોર-મૅનેજર જેસિકા હિન્કલ મદદ માટે દોડી ગઈ હતી. પ્રસૂતિની પૂર્વસૂચનારૂપે પેડુ નીચેથી પાણી છૂટ્યું ત્યારે એ મહિલાએ કહ્યું કે મારી છેલ્લી પ્રસૂતિ ૩૦ મિનિટની પીડા પછી થઈ હતી. સ્ટોરની અન્ય ગ્રાહક મહિલા મૅટર્નિટી હોમની નર્સ હોવાથી તેણે ખિસ્સામાંથી ગ્લવ્ઝ કાઢ્યાં અને તાત્કાલિક સક્રિય થઈ ગઈ. સ્ટોર-મૅનેજર જેસિકા હિન્કલ ઉપરાંત અન્ય મહિલાઓ પણ મદદે દોડી. અન્ય ગ્રાહક મહિલાઓએ પ્રસૂતિની પીડામાં પહોંચેલી મહિલાની ગુપ્તતા જાળવવા તેને ઘેરી લીધી. સ્પ્રિન્ગફીલ્ડના ફાયર-ફાઇટર્સ પણ નર્સને મદદ કરવા પહોંચી ગયા, પ્રસૂતિ સુખરૂપ થયા પછી જેસિકા તથા અન્ય મહિલાઓએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધી. માતા અને બાળકને હોસ્પિટલમાં લઈ જવાયાં. મહિલા અને નવજાત બાળક હવે સ્વસ્થ છે.

united states of america offbeat news hatke news international news