સ્પૅનિશ બીચ પર ખોવાયેલી મ્યુઝિક-ટેપ 26 વર્ષે સ્વીડિશ આર્ટ ગૅલરીમાથી મળી

15 February, 2020 07:49 AM IST  | 

સ્પૅનિશ બીચ પર ખોવાયેલી મ્યુઝિક-ટેપ 26 વર્ષે સ્વીડિશ આર્ટ ગૅલરીમાથી મળી

બ્રિટિશ કન્યા સ્ટેલા વેડેલ

બ્રિટિશ કન્યા સ્ટેલા વેડેલને નાનપણથી સંગીતનો ઘણો શોખ. ૨૬ વર્ષ પહેલાં તે ૧૨ વર્ષની હતી ત્યારે ઘરમાં પસંદગીના સંગીતના સંગ્રહરૂપ મ્યુઝિક-ટેપ બનાવી હતી અને એ ટેપ સ્પેનમાં રજા માણવા જતી વખતે સાથે લઈ ગઈ હતી. એ વખતે તે સ્પેનના એક દરિયાકિનારે ફરવા ગઈ ત્યારે એ મ્યુઝિક-ટેપ સાથે લઈ ગઈ અને ત્યાં જ ભૂલી ગઈ કે ખોવાઈ ગઈ. એ મ્યુઝિક-ટેપ પાછી મળવાની તેને કોઈ અપેક્ષા નહોતી, પરંતુ આશ્ચર્યજનક રીતે સ્ટેલાને એ મ્યુઝિક-ટેપ સ્વીડિશ આર્ટ ગૅલરીમાંથી મળી હતી.

૧૯૯૩માં સ્પેનના કોસ્ટા બ્રાવા નામે ઓ‍ળખાતા મૅજોરિકા બીચ પર ખેવાયેલી ટેપ વહેતી વહેતી ૨૦૧૭ સુધીમાં ૧૨૦૦ માઇલ દૂર કૅનેરી આઇલૅન્ડ્સ પર પહોંચી ગઈ હતી. દરિયાઈ પ્લાસ્ટિક પ્રદૂષણની ફોટોગ્રાફીમાં નિષ્ણાત આર્ટિસ્ટ મિસ મૅન્ડી બાર્કરને એ ટેપ ફુર્તેવેન્તુરાના બીચ પર મળી હતી. ઇંગ્લૅન્ડના લીડ્સની રહેવાસી મૅન્ડી બાર્કરે એ ટેપ પ્રોફેશનલ ઑડિયો રિસ્ટોરરને મોકલી હતી. ઑડિયો રિસ્ટોરરે એ ટેપ વર્કિંગ કન્ડિશનમાં હોવાનું કહેતાં મૅન્ડી બાર્કર ખુશ થઈ ગઈ હતી. એમાં પૉપ મ્યુઝિકનાં સંખ્યાબંધ હિટ સૉન્ગ હતાં. મૅન્ડીએ એ ટેપ તેના ટૂરિંગ એક્ઝિબિશનમાં સામેલ કરવાનો નિર્ણય લીધો હતો. હવે બર્લિનમાં રહેતી સ્ટેલા વેડેલ થોડાં અઠવાડિયાં પહેલાં રજાઓમાં સ્વીડન ગઈ ત્યારે સ્ટૉકહોમમાં મૅન્ડીના ટૂરિંગ એક્ઝિબિશનમાં એ પુરાણી ટેપ મળી ત્યારે તેના આશ્ચર્યનો પાર રહ્યો નહોતો. ટેપની બાજુમાં એમાં સમાવિષ્ટ ટ્રૅક્સની યાદી અસલ રિલીઝ-ડેટ સાથે હતી. સ્ટેલાને એ ટેપ પોતાની હોવાનો દાવો કરતી ઈ-મેઇલ મળતાં મૅન્ડી બાર્કરને આશ્ચર્ય થયું હતું.

સ્ટેલા વેડેલે કહ્યું હતું કે ‘સ્વીડનમાં હું એ ટેપનું ટ્રૅક-લિસ્ટ વાંચતી હતી ત્યારે એ મને ખૂબ પરિચિત લાગ્યું એટલે મેં એ ટેપનો ફોટો લઈને ૧૯૯૩ની ઓરિજિનલ સીડી સાથે એની સરખામણી કરી. એ ઓરિજિનલ સીડી હજી મારી પાસે છે. બન્ને ટ્રૅક-લિસ્ટ સરખાં જણાયાં, પરંતુ એક્ઝિબિશનની ટેપના લિસ્ટની શરૂઆત ત્રીજા ટ્રૅકથી થતી હતી. મને યાદ છે કે પહેલાં બે સૉન્ગ મને ગમતાં નહોતાં. મને સીડીમાંથી પસંદગીનાં ગીતો શોધીને ટેપ બનાવવાનો શોખ હતો. એ ટેપ હું વૉકમૅન પર સાંભળતી હતી.’

offbeat news hatke news