પોતે જોયેલી ડૉક્યુમેન્ટરીના આધારે મહિલાએ કારમાં જ બાળકને જન્મ આપ્યો

01 August, 2020 07:20 AM IST  |  Britain | Gujarati Mid-day Correspondent

પોતે જોયેલી ડૉક્યુમેન્ટરીના આધારે મહિલાએ કારમાં જ બાળકને જન્મ આપ્યો

મહિલાએ પોતાની કારમાં જ બાળકને જન્મ આપ્યો

બ્રિટનના સ્ટૅમ્ફર્ડની રહેવાસી ૨૯ વર્ષની ગર્ભવતી નર્સ નાઓમી પીટર્સબરો હૉસ્પિટલમાં પહોંચે એ પહેલાં તેને પ્રસૂતિની પીડા ઊપડતાં તેણે ચાલતી કારમાં જ બાળકને જન્મ આપ્યો હતો. પતિ કલાકના ૧૧૦ કિલોમીટરની ઝડપે કાર દોડાવતો હતો અને હૉસ્પિટલ પહોંચવામાં ચારેક મિનિટની વાર હતી ત્યારે નાઓમીના પેટમાંથી બાળકનું માથું બહાર આવી રહ્યું હતું. એવા સંજોગોમાં ૨૯ જુલાઈએ નાઓમીએ બ્રિટિશ ડૉક્યુમેન્ટરી સિરીઝ ‘વન બોર્ન એવરી મિનિટ’માં  પ્રસૂતિ અને બાળકના જન્મની પ્રક્રિયા બાબતે જે સૂચનાઓ-ટિપ્સ આપવામાં આવી હતી એ સૂચનાઓને અનુસરીને કારની ફ્રન્ટ-સીટ પર બેઠાં-બેઠાં બાળકને જન્મ આપ્યો હતો. ખરું પૂછો તો નાઓમીનો નર્સિંગનો વ્યવસાય હોવાથી તે તબીબી વિષયો પર બનાવવામાં આવેલી ડૉક્યુ સિરીઝ ‘વન બોર્ન એવરી મિનિટ’ ખૂબ ધ્યાનથી જોતી હતી અને એની ઘણી વિગતો નાઓમીને મોઢે થઈ ગઈ હતી. નાઓમી એ સિરીઝની જબરી ચાહક છે. યાદ રહી ગયેલી વિગતો તેને કટોકટીના સમયે ઉપયોગી થઈ હતી. જોકે કારમાં ગર્ભનાળ બાળકના ગળે લપેટાઈ ગઈ એ પણ તેણે પોતે સ્વસ્થતાથી કાઢીને પોતે જ પોતાની ત્રીજી પ્રસૂતિ સુખરૂપ પાર પાડી હતી. ૨૯મીએ નાઓમી અને તેના પતિ હૉસ્પિટલમાં ગયાં ત્યારે ત્યાંના સ્ટાફે કહ્યું હતું કે બાળકના જન્મને હજી વાર છે, એથી બન્ને ઘરે પાછાં ગયાં હતાં, પરંતુ થોડા કલાકોમાં જ નાઓમીને પેટમાં હલનચલન શરૂ થતાં પતિએ કાર બહાર કાઢીને પત્ની નાઓમીને બાજુમાં બેસાડીને પુરપાટ વેગે દોડાવવા માંડી હતી. જોકે અડધે રસ્તે પ્રસૂતિની પીડા વધી જતાં બન્નેની ચિંતા વધી ગઈ હતી. નાઓમી નર્સ હોવા છતાં પોતાની પ્રસૂતિ વેળા સાવધાની અનિવાર્ય બને છે, પરંતુ ફેમસ ડાૅક્યુ સિરીઝ જોવાની આદત તેને ઉપયોગી થઈ હતી. 

offbeat news hatke news international news stamford bridge