મહિલાએ વિક્રમજનક લાંબા નખ ૩૦ વર્ષે પહેલી વાર કપાવ્યા

09 April, 2021 08:52 AM IST  |  Texas | Gujarati Mid-day Correspondent

રેકૉર્ડ નોંધાવ્યો એ સમયે તેના નાખ ૧૯ ફુટ અને ૧૦.૯ ઇંચ લાંબા હતા

આયના વિલિયમ્સ

ટેક્સસની આયના વિલિયમ્સ નામની મહિલા હાથની આંગળીઓના સૌથી લાંબા નખનો ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ ધરાવે છે. જોકે લાંબા સમયની જહેમત બાદ ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ માટે નખ લંબાવ્યા અને ૨૦૧૭માં રેકૉર્ડ પોતાના નામે કરી લીધા બાદ હવે ૩૦ વર્ષ બાદ તેણે તેના નખ કપાવી નાખ્યા છે. રેકૉર્ડ નોંધાવ્યો એ સમયે તેના નાખ ૧૯ ફુટ અને ૧૦.૯ ઇંચ લાંબા હતા. તેના નખ એટલા લાંબા હતા કે મૅનિક્યૉર કર્યા બાદ નખ રંગવા માટે તેને નેઇલ-પૉલિશની બે બૉટલ્સ લાગતી હતી. જોકે નખ કાપતાં પહેલાં તેણે ૨૪ ફુટ અને ૦.૭ ઇંચ લાંબા નખ સાથે ફરી એક વાર પોતાનો જ રેકૉર્ડ બ્રેક કર્યો હતો.

આયના વિલિયમ્સે અમેરિકાના ટેક્સસના ફોર્થ વેસ્ટમાં ટ્રિનિટી વિસ્ટા ડર્મેટોલૉજીના ડૉક્ટર એલિસન પાસે નખ કપાવ્યા હતા. નખ કપાવ્યાનો વિડિયો યુટ્યુબ પર પોસ્ટ કર્યા બાદ લાગણીસભર પોસ્ટ મૂકતાં તેણે કહ્યું હતું કે ત્રણ દાયકા સુધી નખની માવજત કર્યા બાદ હવે એને અલવિદા કહેવાનો સમય આવી ગયો છે, પણ નખ કાપવા છતાં હું ક્વીન જ રહીશ, કેમ કે મારા કારણે નખ સુંદર હતા, નખથી મારી સુંદરતા નહોતી.

આયના વિલિયમ્સે પોતાનો અનુભવ યાદ કરતાં કહ્યું કે લાંબા નખની માવજત કરવામાં મારે ઘણી તકલીફ વેઠવી પડતી હતી. હું મારા ઘણાં ઘરેલુ કામ આ લાંબા નખને કારણે કરી શકતી નહોતી.

offbeat news international news united states of america