બાળકને કારની અડફેટથી બચાવવા બદલ મહિલાને 10 લાખ ડૉલરની લૉટરી લાગી

24 March, 2020 09:00 AM IST  |  America | Gujarati Mid-day Correspondent

બાળકને કારની અડફેટથી બચાવવા બદલ મહિલાને 10 લાખ ડૉલરની લૉટરી લાગી

ઍન ચાર્કોવિક્ઝ

અમેરિકાના ઓરેગોન સ્ટેટની રહેવાસી મહિલાએ એક બાળકને કારની અડફેટમાં આવતું બચાવ્યું હતું. આ ઘટનાના થોડા દિવસમાં તેને એક મિલ્યન ડૉલર (અંદાજે ૭.૪૦ કરોડ રૂપિયા)ની લૉટરી લાગી. આ ઘટનાને કારણે મહિલા ઍન ચાર્કોવિક્ઝનું માનવું છે કે તેણે કરેલા સત્કર્મના ફળરૂપે ભગવાને તેને લૉટરીનો જૅકપૉટ આપ્યો છે.

ઍન ચાર્કોવિક્ઝ અને તેના પિતા બ્રાયનને થોડા દિવસો પહેલાં ઓરેગોનના કૂસ બે શહેરના ટ્રાફિકથી ધમધમતા રસ્તામાં એક નાનકડું બાળક અટવાયેલું જોવા મળ્યું હતું. એ બાળક કોઈ પણ વાહનની અડફેટમાં આવવાની શક્યતા હતી. બન્નેએ સિફતપૂર્વક એ બાળકને બચાવીને તેના ઘરે પહોંચાડ્યું હતું. તેઓ એ સત્કર્મનો સંતોષ પામ્યાં હતાં. ઍન ચાર્કોવિક્ઝ સ્થાનિક સેફ વે સ્ટોરમાં નોકરી કરે છે. ચાર્કોવિક્ઝે એ સ્ટોરમાંથી ઓરેગોન લૉટરી રેફલની ટિકિટ ખરીદી. એ લૉટરીના ડ્રૉમાં મિસિસ ચાર્કોવિક્ઝનું નસીબ ચમક્યું. એક મિલ્યન ડૉલરની લોટરી લાગ્યા પછી એ મહિલાએ લૉટરીના અધિકારીઓને કહ્યું કે મેં એક બાળકને બચાવ્યું ત્યારે મને વિચાર આવ્યો હતો કે મેં સત્કર્મ કર્યું છે તો મારી સાથે કઈંક સારું બનવું જોઈએ. હું ઈશ્વરનો આભાર માનું છું. હાલમાં હાલકડોલક અર્થતંત્ર સમતોલ થાય ત્યાં સુધી આ જીતેલી રકમ ખૂબ સાચવીને વાપરવાની રહેશે.

united states of america offbeat news hatke news international news